Site icon Revoi.in

LIVE આતંક સામેનું યુદ્ધ:કાશ્મીરમાં એલઓસી પર વધ્યો તણાવ, પાકિસ્તાને પંજાબમાં એરસ્પેસ કર્યો બંધ

Social Share

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી સ્વદેશ પાછા આવી ગયા છે. પાકિસ્તાને શુક્રવારે રાત્રે નવ વાગ્યે અને 21 મિનિટે મુક્ત કરી દીધા છે. જો કે સીમા પર તણાવ વધતો જઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં પુંછ જિલ્લામાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને બે અન્ય ઘાયલ થયા છે.

અધિકારીઓ મુજબ, પાકિસ્તાન તરફથી મોર્ટાર શેલિંગ અને ભારે હથિયારોથી સામાન્ય નાગરીકોને નિશાન બનાવાઈ રહ્યા છે. ભારતીય સુરક્ષાદળો દ્વારા પણ વળતી કાર્યવાહી થઈ રહી છે. બીજી તરફ વિંગ કમાન્ડર અભિનંદનને અટારી બોર્ડરથી મોડી રાત્રે દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનથી વિંગ કમાન્ડર અભિનંદનની વાપસીને લોકોએ ખુબ ઉત્સાહભેર વધાવી હતી.

ખોફમાં આતંકનું આકા

પાકિસ્તાન સીમા પર ચાલી રહેલા તણાવ વચ્ચે પોતાના પંજાબ પ્રાંતમાં પોતાનો એરસ્પેસ ચોથી માર્ચ સુધી બંધ રાખવાનું છે. રિપોર્ટ મુજબ, એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદે તણાવને જોતા પાકિસ્તાને પંજાબના એરસ્પેસને બંધ કર્યો છે. માનવામાં આવે છે કે પાકિસ્તાનની સીમામાં સિયાલકોટમાં પરિસ્થિતિ બેહદ તણાવપૂર્ણ છે. બોર્ડર પર ફાયરિંગને કારણે સિયાલકોટમાં જાનમાલની હાનિના અહેવાલ છે.

ત્રાલમાં સુરક્ષાદળોને નિશાન બનાવવાની કોશિશ

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં એક વિસ્ફોટ થયો છે. તેમાં એક વ્યક્તિના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ છે. રિપોર્ટ મુજબ, આતંકવાદીઓને નિશાન બનાવવા માટે આ વિસ્ફોટ કરવામાં આવ્ય હતો. પરંતુ એક સામાન્ય નાગરીક તેની ઝપટમાં આવી ગયો હતો. બ્લાસ્ટામાં આ શખ્સ ઈજાગ્રસ્ત થયો હતો અને તે તબીબી સારવાર હેઠળ છે. રિપોર્ટ મુજબ, આ વિસ્ફોટ રાત્રે ત્રણ વાગ્યે થયો હતો.

વિંગ કમાન્ડર અભિનંદન દિલ્હી પહોંચ્યા

દેશ વાપસી બાદ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સૌથી પહેલા દિલ્હીના પાલમ એરપોર્ટ ખાતે પોતાના પરિવારને મળ્યા હતા. તેમણે પોતાની માતા, પિતા, પત્ની અને પુત્રને ગળે લગાવ્યા હતા. વિંગ કમાન્ડર અભિનંદનના પિતા એરમાર્શલ એસ. વર્ધમાન, માતા શોભા, પત્ની તન્વી અને પુત્ર તાબિશ છે. અહીંથી તેમને વાયુસેના દ્વારા સેનાની આર. આર. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ હોસ્પિટલમાં તેમની શારીરિક અને માનસિક સ્થિતિની તબીબી તપાસ કરવામાં આવી છે. શનિવારે સવારે વિંગ કમાન્ડર અભિનંદને ઈડલીની સાથે હળવો નાશ્તો કર્યો હતો.

શુક્રવારે રાત્રે 9-21 વાગ્યે અભિનંદનની સ્વદેશ વાપસી

વિંગ કમાન્ડર અભિનંદન શુક્રવારે રાત્રે નવ વાગ્યે અને 21 મિનિટે ભારતની સીમામાં દાખલ થયા હતા. બાદમાં તેમને અમૃતસર લાવવામાં આવ્યા હતા. અમૃતસરથી દિલ્હી લાવતા મોડી રાત્રિ થઈ ચુકી હતી. બાદમાં તેમને સેનાની બેસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બેસ હોસ્પિટલમાં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. બાદમાં તેમને તેમના પરિવારજનો સાથે મળવા દેવામાં આવ્યા હતા.

વિંગ કમાન્ડરની મનોચિકિત્સક કરશે તપાસ

વિંગ કમાન્ડર અભિનંદનની મનોચિકિત્સક દ્વારા પણ તપાસ થવાની છે. મનોચિકિત્સક એ જાણકારી મેળવવાની કોશિશ કરશે કે પાકિસ્તાનમાં તેમના પર કોઈ અત્યાચાર તો કરવામાં આવ્યો નથી ને. એક વાર તેઓ રિલેક્સ ફીલ કરશે અને વાતચીત માટે તૈયાર થઈ જશે તો વિંગ કમાન્ડર અભિનંદન પોતાની સાથે પાકિસ્તાનમાં બનેલી તમામ ઘટનાનું વિવરણ સુરક્ષા એજન્સીઓને આપશે.

સુરક્ષા એજન્સીઓના નિરીક્ષણમાં છે વિંગ કમાન્ડર અભિનંદન

સ્વદેશ પાછા ફર્યા બાદ વિંગ કમાન્ડર અભિનંદન પોતાના પરિવારજનોને મળી ચુક્યા છે. રિપોર્ટ મુજબ, વિંગ કમાન્ડર અભિનંદનને પોતાના માતાપિતા અને પત્નીને મળવા માટેનો સમય આપવામાં આવ્યો છે. હવે તેઓ રૉ, આઈબી અને ડિફેન્સ ઈન્ટેલિજન્સના નિરીક્ષણમાં છે. આ એજન્સીઓએ તપાસ કરી છે કે શું પાકિસ્તાની એજન્સીઓએ તેમના શરીરમાં કોઈ જાસૂસી ડિવાઈસ તો લગાવ્યું નથી ને?

જપ્ત થશે જમાત-એ-ઈસ્લામીની 52 કરોડની મિલ્કતો

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં પ્રશાસને પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામીની 70 મિલ્કતોને સીલ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. તેના સાય આ સંગઠનની 52 કરોડ રૂપિયાની મિલ્કતોને પણ ફ્રીઝ કરવામાં આવશે.

પાકિસ્તાનના મોંઢામાં શાંતિ, બગલમાં શસ્ત્રવિરામ ભંગ

પાકિસ્તાન ભલે ભારતની સાથે શાંતિની પેશકશના દાવાઓ કરી રહ્યું છે, પરંતુ નિયંત્રણ રેખા પર પાકિસ્તાનના આવા જૂઠ્ઠાણાનો તેની હરકતોથી પર્દાફાશ થઈ ચુક્યો છે. માત્ર એક સપ્તાહના ટૂંકા ગાળામાં પાકિસ્તાને 60થી વધુ વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. તો તાજેતરમાં પાકિસ્તાનના ફાયરિંગમાં નવ માસની એક બાળકી અને પાંચ વર્ષના બાળક સહીત કુલ ત્રણના નાગરિકોના મોતની ઘટના પણ સામે આવી છે. પાકિસ્તાન એલઓસી પર સતત નાગરિક વિસ્તારોને નિશાન બનાવીને ફાયરિંગ કરી રહ્યું છે.