Site icon Revoi.in

પૂંછમાં સેનાના વાહનો પર આતંકી હુમલો,પાંચ જવાનો શહીદ,જૈશના PAFFએ લીધી જવાબદારી

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર હુમલો કર્યો છે. આ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં પાંચ જવાન શહીદ થયા છે અને બે ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે જૈશ-એ-મોહમ્મદના મોરચા PAFFએ આ હુમલાની જવાબદારી લીધી છે. સુરક્ષા દળો આતંકીઓને શોધી રહ્યા છે. 12 કિલોમીટરના ગાઢ જંગલમાં આતંકવાદીઓને શોધવાનું પડકારજનક છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરનકોટ પોલીસ સ્ટેશન હેઠળના ધેરા કી ગલી અને બફલિયાઝ વચ્ચેના ધત્યાર વળાંક પર ગઈકાલે બપોરે લગભગ 3.45 વાગ્યે કોર્ડન અને સર્ચ ઓપરેશનના સ્થળે સેનાના જવાનોને લઈ જઈ રહેલા વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો – ગુલામ નબી આઝાદ અને મહેબૂબા મુફ્તીએ આ હુમલાની સખત નિંદા કરી છે. પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) ની શાખા પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF), એ ઓચિંતો હુમલો કરવામાં આવેલ આ હુમલાની જવાદરી સંભાળી છે.જમ્મુમાં સંરક્ષણ વિભાગના જનસંપર્ક અધિકારી, લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બરટવાલે કહ્યું કે આતંકવાદીઓની હાજરી વિશે “મજબૂત બાતમી”ના આધારે બુધવારે રાત્રે પૂંછ જિલ્લાના ઢેરા કી ગલી વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે સૈનિકો સ્થળ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ બે વાહનો – એક ટ્રક અને એક જીપ્સી પર ગોળીબાર કર્યો. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું કે દળોએ હુમલાનો ઝડપથી જવાબ આપ્યો. અધિકારીઓએ જણાવ્યું કે ચાલુ ઓપરેશનમાં પાંચ જવાનો શહીદ થયા છે અને અન્ય બે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઓપરેશન ચાલી રહ્યું છે.અધિકારીઓએ કહ્યું કે એવી સંભાવના છે કે આતંકવાદીઓ હુમલો કરનારા જવાનોના હથિયારો લઈ ગયા હોઈ શકે છે. રાજૌરી, પૂંચ અને રિયાસી જિલ્લામાં આ વર્ષે એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 19 સુરક્ષા જવાનો શહીદ થયા છે અને 28 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટરમાં કુલ 54 લોકો માર્યા ગયા છે.

Exit mobile version