Site icon Revoi.in

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે 116 કિ.મી ના ડબલ ટ્રેકનું કામ હવે અઠવાડિયામાં પૂર્ણ થશે

Social Share

રાજકોટઃ રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે રેલવે દ્વારા  ડબલ ટ્રેક કામગીરી છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે. જે  હવે અંતિમ તબક્કામાં છે.  અને એક અઠવાડિયામાં એટલે કે આગામી 12 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવાની રેલવેની તૈયારી છે. રૂ.1056.11 કરોડના ખર્ચે 116 કિલોમીટર રેલવે માર્ગ ડબલ થઈ જતા અનેક સુવિધાઓ વધી જશે અને સાથે સાથે લાંબા અંતરની નવી ટ્રેનો પણ રાજકોટને મળવાની પૂરી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે કુલ 116.17 કિલોમીટર અંતરમાં ડબલ ટ્રેક કરવાની કામગીરી છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે. આ માટે રેલવે દ્વારા  1056.11 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ડબલ ટ્રેક કામગીરી સાથે જ  વિદ્યુતિકરણ કામગીરી પણ સમાંતર ધો૨ણે ચાલુ કરી દેવામાં આવી છે. જે આગામી જુલાઈ સુધીમાં પૂરી કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. સુરેન્દ્રનગરથી વિરમગામ, અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેક કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે હાલ ગુડ્ઝ અને પેસેન્જર ટ્રેનોનો ટ્રાફિક વધુ છે. જેના કારણે સિંગલ લાઈન પર ક્રોસિંગ લેવા પડે છે અને સમય વધી જાય છે. જુદા જુદા અંતરે ટ્રેનોને પસાર કરવા માટે રોકી દેવી પડે છે. જે આગામી દિવસોમાં ભૂતકાળ બની જશે. હાલ આ કામગીરી પૂરી કરવા માટે રાજકોટ બિલેશ્વર વચ્ચે બ્લોક લેવામાં આવતા અનેક ટ્રેનોના સમયમાં પરિવર્તન અને શોર્ટ ટર્મીનેટ કરવામાં આવી હતી. આગામી 12 ફેબ્રુઆરી સુધીમાં ટ્રેકની કામગીરી પૂર્ણ કરવા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. આ પછી યાર્ડના કામો સિગ્નલિંગના કામો વગેરે ઝડપથી હાથ ધરીને પૂરા કરી નાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સુધી ડબલ ટ્રેક કામગીરી પૂર્ણ થયા બાદ રાજકોટ પ્લેટફોર્મ કેપેસિટી વધારવા માટે પણ પ્રોજેક્ટ પ્લાનિંગમાં છે. જેમાં પણ વધારો કરવામાં આવતા સૌરાષ્ટ્રવાસીઓને લાંબા અંતરની ટ્રેન સુવિધા ઝડપી અને વધુ બનશે તે વાત નિશ્ચિત છે.