Site icon Revoi.in

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે

Social Share

અમદાવાદઃ દેશમાં લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષનો સમય બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ આરંભી દીધી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સૌથી વધુ કોંગ્રેસને નુકશાન કર્યું હતું. 40થી વધુ બેઠકો એવી છે. કે, આમ આદમી પાર્ટીને લીધે કોંગ્રેસને બેઠકો ગુમાવવી પડી છે. હવે  આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવાનો આપ’એ નિર્ધાર કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે  ગુજરાતમાં તમામ પક્ષો પોતાના ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે સંગઠન મિટિંગો શરૂ કરી દીધી  છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ધારાસભ્ય સાથે બંધ બારણે બેઠક યોજી હતી જેમાં લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે ભરૂચ લોકસભા સીટ પર જીત મેળવવી એની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં  ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જુન રાઠવા, ડો.પ્રફુલ વસાવા, જેતપુર વિધાનસભા પ્રમુખ રાધિકા રાઠવા ડો.દયારામ વસાવા, રાજેંદ્ર વસાવા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે,  ભરૂચમાં ભાજપના કોઈ સંસદ હોઈ કે ધારાસભ્ય, એમને આદિવાસીના પ્રશ્ને બોલવાની કોઈ તાકાત નથી.  ભાજપ તેના 156 ધારાસભ્યોને  માત્ર ચપરાસી તરીકે રાખે છે. જેમને કોઈ વિધાનસભામાં કોઈ પ્રશ્ન ઉઠાવવાની છૂટ નથી. આગામી લોકસભાની ચૂંટણીમાં  26 સીટો પર આમઆદમી પાર્ટીના ઉમેદવારોને મેદાને ઉતારીશું.  2024ની લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાં આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવાએ  ભાજપના સાંસદ મનસુખ વસાવા સામે લડવાની તૈયારીઓ બતાવી છે. આપ’ના  ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે,  પાર્ટી અને સંગઠન મને કહે એટલે હું ભલે સાત ટમથી જીતતા મનસુખ વસાવા હોઈ કે અન્ય કોઈ સામે આવે હું જીતીને બતાવીસ. પરંતુ જો મને ટિકિટ મળી તો ભરૂચ લોકસભાની સાત વિધાનસભાઓમાં ફરીને જનતાની સહમતીથી ચૂંટણી લડવાનો રણટંકાર કર્યો હતો.  ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીની બેઠક થતા રાજકીય ગરમાવો વધી રહ્યો છે.  હવે આમ આદમી પાર્ટી ડેડીયાપાડાના ભાજપના કોઈ સક્ષમ અને મોટા કદના નેતાને લોકસભાની ટિકિટ આપે છે.  કે કોંગ્રેસ સાથે ગઠબંધ કરીને ભાજપના ઉમેવાર સામેં ઉમેદવાર આપે એ આગામી સમયમાં જોવા મળી જશે.