Site icon Revoi.in

શામળાજી નજીક સેલ્સ ટેક્સના ચાર અધિકારીને રૂપિયા 6.51 લાખ સાથે ACBએ ઝડપી પાડ્યા

Social Share

હિંમતનગરઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણ કાળમાં પણ અધિકારીઓ ભ્રષ્ટ્રચાર કરવાનું છોડતા નથી. શામળાજી પાસે નેશનલ હાઈ-વે પરથી પસાર થતી ટ્રકના ડ્રાઈવરો પાસેથી GSTની ફરતી મોબાઈલના અધિકારીઓ તથા કર્મચારીઓ અપ્રામાણિક પણે ભ્રષ્ટાચાર આચરી ગેરકાયદેસર રીતે નાણાં ઉઘરાવતા હોવાની બાતમીના આધારે અરવલ્લી ACBએ સેલ્સ ટેક્સ અધિકારીઓની કાર રોકી તપાસ કરતાં રોકડ રૂ. 6,51,000ની રકમ મળી આવી હતી. આ અંગે ACBએ ચારેય અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સબત્રોના જણાવ્યા મુજબ  એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ને બાતમી મળી હતી કે, અરવલ્લી જિલ્લામાં GSTની ફરતી મોબાઇલના અધિકારી-કર્મચારીઓની દરરોજ બપોરના ૧૨ વાગે ફરજની શિફ્ટ બદલાય છે. આ મોબાઇલના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન  ભ્રષ્ટાચાર કરીને અપ્રમાણિકપણે ગેરકાયદેસર રીતે નાણાં ઉઘરાવે છે. પૂરી થયેલી શિફ્ટના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ગેરકાયદેસર રીતે મેળવેલ મોટી રકમ લઇને વાદળી રંગની અર્ટીકા કારમાં રંગપુર પાસે આવેલી GST ચેકપોસ્ટથી નીકળી ગાંધીનગર-અમદાવાદ તરફ જવાના છે.

બાતમીને આધારે  અરવલ્લી ACBના સ્ટાફે બે સરકારી પંચોને સાથે રાખી બાતમી હકીકતની ખરાઇ કરવા શામળાજીથી હિંમતનગર તરફ જતા નેશનલ હાઇવે પર કોઇને શંકા જાય નહીં તે રીતે ઉભા રહી કાર ચેક કરતા કારમાં મુકેલા થેલામાંથી જુદા જુદા દરની ચલણી નોટો કુલ રૂ. 6.51 લાખ મળી આવ્યા હતાં. આ રકમ ક્યાંથી લવાઈ છે? અને આ રકમ કાયદેસરની હોવા બાબતના આધાર પુરાવા રજૂ કરવા ચારેય કર્મચારીને વારાફરતી પૂછતાં તેઓ સંતોષકારક ખુલાસો કરી શક્યા નહતાં. એસીબીએ રકમ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી