Site icon Revoi.in

ઇજિપ્તના રાષ્ટ્રપતિ અને PM મોદી વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક,ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે સમજૂતી

Social Share

દિલ્હી:ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી દિલ્હી પહોંચ્યા છે.તેઓ ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.તેમની મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરશે. પીએમ મોદીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિનું ભારત આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે.પીએમ મોદીએ પણ બુધવારે તેમની સાથે થનારી બેઠક અંગે ટ્વિટ કરીને ઉત્સાહ દર્શાવ્યો હતો.

પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું કે “રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત છે.આપણા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે તમારી ભારતની ઐતિહાસિક મુલાકાત તમામ ભારતીયો માટે ખૂબ જ આનંદની વાત છે.આવતીકાલે અમે ચર્ચા માટે તત્પર છીએ. ”

ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી પણ કૃષિ, ડિજિટલ ડોમેન અને વેપાર સહિતના અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધારવા પર વાતચીત કરશે. તેમના સમયપત્રક મુજબ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સીસી બુધવારે મુદ્દાઓ પર વાતચીત કરશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે વાતચીત પછી ઘણા ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવા માટે બંને પક્ષો વચ્ચે અડધો ડઝન કરાર પર હસ્તાક્ષર થવાની આશા છે.

ઈજિપ્તના રાષ્ટ્રપતિ સીસી સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે.તેમાં પાંચ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.

ઈજિપ્તના રાષ્ટ્રપતિએ ઓક્ટોબર 2015માં 3જી ઈન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટમાં ભાગ લેવા ભારતની મુલાકાત લીધી હતી.આ પછી સપ્ટેમ્બર 2016માં તેમણી રાજકીય યાત્રા થઇ હતી.જો કે, આ પ્રથમ વખત છે જ્યારે ઇજિપ્તના રાષ્ટ્રપતિને ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.ઇજિપ્તની સેનાની ટુકડી પણ ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેશે.