Site icon Revoi.in

ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસની બહુમતી છતાં ભાજપે સત્તા હાંસલ કરી

Social Share

પાલનપુરઃ જિલ્લામાં  ધાનેરા નગરપાલિકામાં ભાજપ સત્તાના સ્થાને આવી છે. ભાજપના કિરણબેન સોની નગરપાલિકાના પ્રમુખ બન્યા છે. અગાઉ કોંગ્રેસના પ્રમુખ જગલબેનનું અવસાન થતાં પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાઈ હતી. પરંતુ ચૂંટણી પહેલા કોંગ્રેસના 15 સભ્યોને સભામાંથી સસ્પેન્ડ કરાયા હોય સત્તા ભાજપ પાસે આવી ગઈ છે.  આમ કોંગ્રેસ પાસેથી સત્તા ભાજપે આંચકી લીધી હતી.

ચૂંટણી પ્રક્રિયામાં ફક્ત ભાજપના સભ્યો જ હાજર રહ્યા હતા. કોંગ્રેસના સભ્યો સસ્પેન્ડ થતા સભામાં પ્રવેશવા દેવાયા ન હતા. ભાજપના જ બે મહિલા સદસ્ય જ્યોત્સનાબેન ત્રિવેદી અને કિરણબેન સોની વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. બંને ઉમેદવારોને 6-6 મત મળતા ટાઇ પડી હતી. ટાઈ બાદ ચિઠ્ઠી ઉલાડતા કિરણબેન સોનીનું નામ નીકળતા પ્રમુખ બન્યા છે.

ધાનેરા નગરપાલિકાના મહિલા પ્રમુખ માટેની ચૂંટણી આજે 19 જૂને યોજાઈ હતી. ધાનેરા પાલિકાના મહિલા પ્રમુખ જગલબેન ઠાકોરનું તાજેતરમાં નિધન થયું હતું. જેના બાદ ચૂંટણીની તારીખ જાહેર કરાઈ હતી. આજની આ ચૂંટણી રસપ્રદ બની રહી હતી. કારણ કે, ધાનેરા નગરપાલિકામાં ભાજપ પાસે 12 બેઠકો હતી. જ્યારે કે કોંગ્રેસ પાસે 15 બેઠક હતી. આમ કોંગ્રેસ પાસે બહુમતી હોવા છતાં ભાજપ સત્તા મેળવવામાં સફળ રહ્યો હતો.