Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો આજથી પ્રારંભ, 2024-25ના વર્ષનું કાલે બજેટ રજુ કરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી એટલે કે 1લી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. કાલે 2જી ફેબ્રુઆરીને શુક્રવારે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2024-25નું બજેટ રજુ કરશે. લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટ હળવું ફુલ રહેવાની શક્યતા છે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રનો આજથી તા. 1 ફેબ્રુઆરીને ગુરૂવારથી પ્રારંભ થશે. કાલે 2જી ફેબ્રુઆરીના રોજ વર્ષ 2024-25 બજેટ રજુ થશે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના સર્વાંગી વિકાસના રોડમેપસમું બજેટ હશે. આજે બજેટસત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે. અને સરકારની કામગીરીને આલેખશે રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈ બીજી વખત તા. 2 ફેબ્રુઆરીએ 2024-25 ના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરશે.

ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર આજે 1લી ફેબ્રુઆરીથી તા.29 ફેબ્રુઆરી સુધી ચાલશે. એક મહિના સુધી ચાલનાર બજેટ સત્ર દરમિયાન 26 બેઠકો યોજાશે.બજેટ સત્રમાં રામ મંદિર માટે એક અભિનંદન પ્રસ્તાવ લવાશે. વિધાનસભાની સલાહકાર સમિતિમાં પ્રસ્તાવ રજૂ કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

કામ કાજ સલાહકાર સમિતિમાં જે કામ કાજ આખા મહિનાનું નક્કી કરવામાં આવ્યું છે. એ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. તેમજ વિપક્ષના સભ્યો પણ હાજર હતા અને તેમની પણ આ બાબતે સંમતિ હતી. તેમજ વિધાનસભા ગૃહમાં 7-8 વિધેયક લાવવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની બેઠક પહેલા બુધવારે સવારે કેબિનેટની બેઠક, બપોરે કામકાજ સલાહકાર સમિતિની બેઠક અને તે બાદ સાંજે બંને રાજકીય પક્ષોના વિધાયક દળની બેઠક મળી હતી. જેમાં વિધાનસભાના સત્ર દરમિયાન હાથ ધરવાના કામકાજથી લઈને કામકાજની પદ્ધતિ ઉપર ફોકસ કરવામાં આવ્યુ હતુ. વિધાનસભાના સત્ર દરમિયાન 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવશે વૈધાનિક અને સંસદીય બાબતના વિભાગ દ્વારા આ માટેના ડ્રાફ્ટ આજે કેબિનેટમાં મૂકવામાં આવ્યા હતા.