Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટી દ્વારા CCCની પરીક્ષા એકાએક રદ કરાતાં પરીક્ષાર્થીઓ નારાજ બન્યા

Social Share

અમદાવાદ : ગુજરાતમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપરલિકને કારણે એકાએક રદ કરવામાં આવી હતી. જ્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાનારી  CCCની પરીક્ષા પણ અચાનક મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવતા પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં નારાજગી ફેલાઈ હતી. વીજ પુરવઠો ખોરવાવાને કારણે પરીક્ષા યોજાશે નહીં, તેવું કહેવામાં આવતા વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને પરીક્ષા આપ્યા વગર જ પાછા ફરવું પડ્યું હતું. હવે પછી આ પરીક્ષા આગામી 5 ફેબ્રુઆરીના રોજ લેવાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવાનારી પરીક્ષાનું પેપર લીક થઈ જતાં પરીક્ષા એકાએક રદ કરવાની સત્તાધિશોને ફરજ પડી હતી. જેમાં કારણે લાખો વિદ્યાર્થીઓમાં નારાજગી જાવા મળી હતી. જ્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ રવિવારે ટ્રીપલ સી (CCC) પરીક્ષા લેવાની હતી. પરીક્ષાર્થીઓ પણ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. પણ કહેવાય છે, વીજળી પુરવઠો ખોરવાતા પરીક્ષા એકાએક રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે પછી આ પરીક્ષા આગામી 5 ફેબ્રુઆરી લેવાશે. પરીક્ષા મોકુફ રહેતા નારાજ થયેલા ઉમેદવારોએ જણાવ્યુ કે ગુજરાત યુનિવર્સિટીમાં આવતી ઈલેક્ટ્રીક્સીટીની અંદર શોર્ટ સર્કિટ થતા સમગ્ર યુનિવર્સિટીની ઈલેક્ટ્રીસીટી બંધ થઈ ગઈ છે. જેના કારણે કમ્પ્યુટર ચાલી શકે તેમ નથી. માટે સીસીસીની પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા સીસીસીની પરીક્ષા રદ કરવામાં આવતા પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો હતો. કારણ કે પરીક્ષા આપવા આવનારા મોટાભાગના ઉમેદવારો જિલ્લા બહારના સેન્ટરના હતા. એક તરફ છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે આ પરીક્ષા આપવા કડકડતી ઠંડીમાં ઠુઠવાઈને ઉમેદવારો પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા હતા અને કલાકોનું ટ્રાવેલિંગ કર્યા બાદ સેન્ટર પર પહોંચ્યા હતા, ત્યારે અચાનક પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય થતા ઉમેદવારોમાં ઉશ્કેરાટ જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે. કે, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ લેવા માટે સીસીસીની પરીક્ષા સરકાર દ્વારા ફરજીયાત કરાઈ છે. જે માટે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ સીસીસીની પરીક્ષા આપવા પહોંચ્યા હતા પરંતુ અચાનક પરીક્ષા મોકુફ રહેતા કર્મચારીઓ નિરાશ થયા હતા.