Site icon Revoi.in

ઈડીએ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

Social Share

નવી દિલ્હીઃ ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતા હેમંત સોરેને ગુરુવારે મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડને પડકારી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ શુક્રવારે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રીની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ હતી.

સોરેન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ અને અભિષેક સિંઘવીએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, સોરેન આ મુદ્દે ઝારખંડ હાઈકોર્ટમાં દાખલ કરેલી તેમની અરજી પાછી ખેંચી લેશે. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ બુધવારે રાત્રે મની લોન્ડરિંગ કેસમાં સોરેનની ધરપકડ કરવામાં આવી હતી.રાજ્યના પરિવહન મંત્રી ચંપાઈ સોરેનનું નામ મુખ્યમંત્રી તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. કથિત જમીન છેતરપિંડી કેસ સંબંધિત મની લોન્ડરિંગના આરોપમાં સાત કલાકથી વધુની પૂછપરછ પછી EDએ બુધવારે હેમંત સોરેનની ધરપકડ કરી હતી.

હેમંત સોરેને 29 ડિસેમ્બર, 2019ના રોજ ઝારખંડના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. EDએ તેની ધરપકડ કરતા પહેલા લગભગ સાત કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. ધરપકડ બાદ પૂર્વ સીએમ હેમંત સોરેનને ED ઓફિસ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. હેમંત સોરેનની ધરપકડના વિરોધમાં આદિવાસી સંગઠનોએ પ્રદર્શન કર્યું હતું. આદિવાસી સંગઠનોએ ગુરુવારે રાજ્યમાં બંધનું એલાન આપ્યું છે. કેન્દ્રીય સરના સમિતિના અધ્યક્ષ અજય તિર્કીએ કહ્યું છે કે ,15 થી 20 સંસ્થાઓ બંધમાં ભાગ લીધો છે. બંધને કારણે ઈમરજન્સી સેવાઓ પર કોઈ અસર થવાની નથી.