Site icon Revoi.in

કેન્દ્ર સરકારે ‘ફાઇનાન્સ એક્ટ 2026’ નોટિફાય કર્યો, નવા બજેટના ટેક્સ નિયમો લાગુ થયાં

Social Share

નવી દિલ્હી, 1 એપ્રિલ 2026: ભારત સરકારે નાણાકીય વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટના દરખાસ્તોને અમલી બનાવવા માટે ‘ફાઇનાન્સ એક્ટ 2026’ (નાણા અધિનિયમ)ને સૂચિત (Notify) કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 30 માર્ચના રોજ આ વિધેયક પર મહોર મારતા હવે તેને કાયદાકીય માન્યતા મળી ગઈ છે.

ગયા શુક્રવારે રાજ્યસભાએ નાણા બિલ 2026ને મંજૂરી આપી લોકસભાને પરત મોકલ્યું હતું, જેની સાથે જ બજેટની તમામ વૈધાનિક પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે. 1લી એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષથી બજેટના તમામ નવા પ્રસ્તાવો અને ટેક્સ નિયમો અમલી બનશે.

બજેટ 2026-27ના મુખ્ય પાસાઓ:

કુલ ખર્ચ: નવા બજેટમાં કુલ 53.47 લાખ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે, જે ગયા વર્ષ કરતા 7.7 ટકા વધુ છે.
મૂડી ખર્ચ: ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગાર સર્જન માટે 12.2 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
રાજકોષીય ખાધ: સરકારના અંદાજ મુજબ 2026-27માં રાજકોષીય ખાધ જીડીપીના 4.3 ટકા સુધી મર્યાદિત રહેશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ફંડ: મોટી પરિયોજનાઓને વેગ આપવા માટે એક વિશેષ ‘ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ડેવલપમેન્ટ ફંડ’ની સ્થાપના કરવામાં આવશે.

દેવું અને આર્થિક સ્થિરતા

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સરકાર રાજકોષીય શિસ્ત જાળવવા માટે કટિબદ્ધ છે. ભારતનો ડેટ-ટુ-જીડીપી રેશિયો (દેવું અને જીડીપીનો ગુણોત્તર) જે 2025-26માં 56.1 ટકા હતો, તે ઘટાડીને 55.6 ટકા કરવાનું લક્ષ્ય છે. આ ગુણોત્તરમાં ઘટાડો થવાથી સરકારના વ્યાજ ચૂકવણીના ખર્ચમાં ઘટાડો થશે અને વિકાસકાર્યો માટે વધુ ભંડોળ ઉપલબ્ધ બનશે.

બજેટમાં હાઈવે, બંદર, રેલવે અને વીજળી પ્રોજેક્ટ્સ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર ભાર મુકાયો છે. આ ઉપરાંત, 7 વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ઉત્પાદન વધારવા અને લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો (MSMEs)ને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ છે.

વધુ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટમાંથી અમેરિકી સૈન્ય દળો પાછા ખેંચીશું નહીં: ડોનાલ્ડ ટ્રમ્પ

Exit mobile version