Site icon Revoi.in

કોરોનાના કપરા કાળમાં પણ મોરબીના ઉદ્યોગો ધમધમી રહ્યા છે

Social Share

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને લીધે ઓદ્યોગિક ઉત્પાદન પર તેની  અસર પડી છે ત્યારે મોરબીમાં સિરામીક ઉદ્યોગના ઉત્પાદન કે વેચાણને ખાસ કોઇ અસર થઇ નથી. મજૂરોની વતન વાપસી થઇ નથી, ઉત્પાદન ચાલુ છે અને ટ્રાન્સપોર્ટ સર્વિસ પણ યથાવત છે એટલે ઉદ્યોગ પુરજોશમાં કામકાજ કરી રહ્યો છે તેમ સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યુ હતું.
સૌરાષ્ટ્ર જ નહીં પણ ગુજરાતનું સિરામિક ઉદ્યાગો માટેનું મોરબી હબ ગણાય છે. મોરબી વિસ્તારમાં સિરામિક અને અન્ય એન્સિલિયરી ઉદ્યોગમાં આશરે 9થી 10 લાખ જેટલા સ્થાનિક અને પરપ્રાંતીય મજૂરો કામકાજ કરી રહ્યા છે. જોકે ઉત્પાદનકાર્ય ચાલુ રહેવાને લીધે કોઇ શ્રમિકોએ વતનની વાટ પકડી નથી. વળી, ફેક્ટરીઓમાં જ શ્રમિકોનો વસવાટ થતો હોવાથી મોટાંભાગના શ્રમિકો સંક્રમણથી બચી શક્યા છે. શ્રમિકોમાં સંક્રમણના કેસ બહુ ઓછાં છે. ગયા વર્ષે કોરોનાની લહેરમાં સિરામિક ઉદ્યોગ જ એવો હતો જે બંધ થયા પછી તરત શરૂ થઇ ગયો હતો. એ પછી ઉત્પાદન અને નિકાસ ઐતિહાસિક રહ્યા છે. મોરબીમાંથી 12 હજાર કરોડ કરતા વધારે કિંમતના સિરામિકની નિકાસ કરવામાં આવી છે.
મોરબીના સિરામિક એક ઉદ્યોગકારના કહેવા મુજબ  અમારે ત્યાં શ્રમિકોને રોજગારી મળે છે એટલે વતન જવાની તાલાવેલી નથી. સિરામિક ઉદ્યોગમાં હવે મોટેભાગે કોઇ અડચણ કોરોના મહામારીને લઇને આવે તેમ નથી. કારણકે ઉદ્યોગકારોએ હવે સામાજિક જવાબદારીના ભાગરૂપે કોરોનાના દર્દીઓ માટે કામકાજ શરું કરી દીધું છે. શહેરના સિરામિક ઉદ્યોગે હવે સમાજ સેવા પણ શરૂ કરી છે. ઘુંટું રોડ પર જૂનાં સમય વિટ્રીફાઇડના જૂના યુનિટમાં 300 બેડની  ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.