Site icon Revoi.in

ચંદ્રયાન-3નું સફળ ઐતિહાસિક લેન્ડિંગ મુખ્યમંત્રીએ ઈસરો, અમદાવાદ ખાતેથી લાઇવ નિહાળ્યું

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ચંદ્રયાન-3ના સફળ અને ઐતિહાસિક લેન્ડિંગ ઇસરો, અમદાવાદ ખાતેથી નિહાળ્યું હતું અને ઇસરોના વિજ્ઞાનીઓ અને અધિકારીઓને પ્રોત્સાહન પૂરું પાડી ભારતમાતાનું ગૌરવગાન કરતાં કહ્યું કે, વિશ્વ ગગન મેં ફિર સે ગુંજે – ભારત મા કી જય જય જય, મુખ્યમંત્રીએ ચંદ્રયાન-3ના લેન્ડરના ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટલેન્ડિંગ પછી સૌને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતનો સ્પેસ રિસર્ચ પ્રોગ્રામ વધુ દૃઢ અને મક્કમ થયો છે.  નરેન્દ્રભાઈના દૃષ્ટિવંત નેતૃત્વમાં ઇસરોએ નવા આયામો સર કર્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિક્રમ સારાભાઈએ શરૂ કરાવેલો ભારતનો સ્પેસ પ્રોગ્રામ આજે અવકાશની અનંત સીમાઓને આંબી રહ્યો છે. અવકાશ ક્ષેત્રે ભારત એક પછી એક સિદ્ધિ મેળવી હરણફાળ ભરી રહ્યું છે. દેશમાં તમામ ક્ષેત્રે થઈ રહેલો વિકાસથી દેશના નાગરિકોમાં સરકાર પરનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં બોપલ અમદાવાદ ખાતે ઇન-સ્પેસના હેડક્વાર્ટરના લોકાર્પણ પ્રસંગને યાદ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઇન-સ્પેસ હેડક્વાર્ટર થકી વડાપ્રધાને અવકાશી શોધ-સંશોધનનાં દ્વાર પ્રાઇવેટ પ્લેયર્સ માટે પણ ખોલી આપ્યાં છે. હવે ઉદ્યોગકારો, ટેકનોક્રેટસ, સ્ટાર્ટ-અપ સ્થાપનારા યુવાનો પણ અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રે શોધ-સંશોધન કરવાનું સપનું સાકાર કરી શકશે તેમ મુખ્યમંત્રીએ દ્રઢતાપૂર્વક કહ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઈસરો માનવ જાતના ભલા માટે, દેશવાસીઓના લાભ માટે અંતરિક્ષ ક્ષેત્રે કાર્ય કરતું આવ્યું છે અને આ અમૃતકાળમાં ઇસરો પણ વિશ્વમાં પોતાની સિદ્ધિઓની ધજા-પતાકા લહેરાવશે એવો પૂર્ણ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.  ચંદ્રયાન-૩નું સફળ સોફ્ટ લેન્ડિંગ પ્રસારણ નિહાળ્યાં પછી મુખ્યમંત્રીશ્રીએ ઈસરો કેમ્પસ ખાતે પ્લાસિવ લેબ અને અન્ય ઉપક્રમોની મુલાકાત લીધી હતી.

ચંદ્રયાન-૩ના સફળ સોફ્ટ લેન્ડિંગનું લાઈવ પ્રસારણ નિહાળ્યા બાદ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનું પ્રોત્સાહક વર્ચ્યુઅલ ઉદબોધન પણ મુખ્યમંત્રીએ  ઇસરોના અધિકારીઓ, કર્મચારીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ સાથે નિહાળ્યું હતું.