Site icon Revoi.in

રાજ્યમાં મીની લોકડાઉનને લીધે નાના વેપારીઓ અને ફેરિયાઓની હાલત કફોડી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની કપરી સ્થિતિને કારણે હાલ મીની લોકડાઉન વેપારીઓએ સ્વૈચ્છાએ જાહેર કર્યું છે. સરકાર દ્વારા 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં નાના વેપારીઓ, ફેરિયાઓ અને રોજનું કમાઈને રોજ ખાનારા લોકોની હાલત કફોડી બની છે.રાજ્યમાં સત્તાવાર રીતે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં નથી આવ્યું છતા લગભગ મોટાભાગની દુકાનો કે ધંધા-રોજગાર કોરોનાને કારણે બંધ કરવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિમાં વ્યવસાય કરતા લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. તેમાં પણ નાના વેપારીઓ અને ફેરિયાઓની સ્થિતિ દયનીય બની ગઈ છે. આ લોકોને રાહત મળે તે માટે સ્વૈચ્છિક સંગઠનોએ મુખ્યપ્રધાન વિજય રુપાણીને લેખિત રજૂઆત કરીને યોગ્ય પગલા લેવાની માંગ કરી છે.

કોરોનાના પ્રથમ રાઉન્ડમાં લોકડાઉનને લીધે વેપાર-ધંધાને અગણિત નુકશાન થયું હતું. જેની કળ વળી નહતી ત્યાં કોરોનાનો બીજો રાઉન્ડમાં વેપારીઓને સ્વૈચ્છીક વેપાર-ધંધા બંધ રાખવાની ફરજ પડી રહી છે. વિવિધ સંગઠનો દ્વારા સરકારને  કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયંત્રણોને કારણે લોકોના વેપાર ધંધા પ્રભાવિત થઈ રહ્યા છે. અત્યારે મોટાભાગના લોકો પોતાના ઘરમાંથી કારણ વિના બહાર નીકળવાનું ટાળે છે. આ સ્થિતિમાં નાના પાયે ધંધો કરનારા, ફેરિયા વર્ગને ગુજરાન ચલાવવામાં ફાંફા પડી રહ્યા છે. સમાજનો એક મોટો વર્ગ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલશે ભૂખમરાનો સામનો કરવો પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે સ્વૈચ્છિક લૉકડાઉન કરવું હોય તો સરકારે નાના વેપારીઓ, ફેરિયાઓ તેમજ રોજનું કમાઈને ખાતા લોકોને આર્થિક સહાય આપવી જોઈએ. રાશનની સાથે સાથે તેમને આર્થિક સહાય મળે તે જરૂરી છે. એટલું જ નહીં, સરકાર ઈચ્છે તો સરકારી હોસ્પિટલો અથવા કોવિડ સેન્ટરોમાં આ લોકોની ભરતી કરીને રોજગારીનો વિકલ્પ ઉભો કરી શકે છે. આ સિવાય રાજ્ય સરકાર નાના વેપારીઓ તેમજ ફેરિયાઓ વગેરેના બાળકોની શાળાની ફી માફ કરવી, મા કાર્ડ ન હોય તો તાત્કાલિક પૂરા પાડવા, વગેરે જેવા કાર્યો કરીને પણ તેમને રાહત આપી શકે છે. આ સિવાય ઘણાં ફેરિયાઓ ભાડાના મકાનમાં રહેતા હોય છે. અત્યારે કામ બંધ હોવાને કારણે તેમના માટે ઘરનું ભાડું ચૂકવવું પણ મુશ્કેલ છે. સરકાર તેમને આ રીતે પણ મદદ કરી શકે છે.