Site icon Revoi.in

AMCએ ખાનગી – ગ્રાન્ટેડ શાળાઓને વ્યવસાય વેરાના મુદ્દે આપેલી નોટિસો સામે મંડળનો વિરોધ

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ખાનગી શાળાઓને પ્રોફેશનલ ટેક્સના મુદ્દે નાટિસો પાઠવી છે. જેમાં PEC નંબર અંગેની નોંધણી કરાવવા કહેવામાં આવ્યુ છે. એએમસીએ ખાનગી શાળાઓને આપેલી નોટિસ બાદ સ્કૂલ એસોસિયેશનના પ્રમુખે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખીને જણાવ્યું છે કે, સ્કૂલ એ નોન પ્રેક્ટિકલ અને સેવાકીય હેતુ માટે ચાલે છે, જેથી સ્કૂલોને પેઢી તરીકે નોંધણી કરાવવાની જરૂર નથી. છતાં સ્કૂલોએ PEC નંબર માટે નોંધણી ના કરાવી હોય તો તેમને નોટિસ આપવામાં આવી છે, જેથી નોટિસ રદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે એએમસી કમિશનર અને મેયરને પત્ર લખીને એવી રજુઆત કરી છે. કે, મ્યુનિ.  દ્વારા શહેરમાં ચાલતી ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોને વ્યવસાય વેરાની PEC નંબર અંગે નોંધણી ના કરાવી હોય તો નોટિસ આપવામાં આવી છે. ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલ નોન પ્રેક્ટિકલ અને સેવાકીય હેતુ માટે ચાલે છે. તે કોઈ ખાનગી ટ્યુશન કે ટ્યુટર ક્લાસિસમાં આવતી નથી. ગુજરાત સરકારના નાણાં વિભાગના જાહેરનામા મુજબ વ્યવસાયવેરો ટ્યુશન ક્લાસ માલિકો માટે છે. તેમાં સ્કૂલનો ઉલ્લેખ નથી. સ્કૂલોની PEC નંબર લેવા તથા વ્યવસાય વેરાની જે નોટિસ આપવામાં આવી છે, તે રદ કરી ભૂતકાળમાં જે સ્કૂલો PEC નંબર લીધો હોય તેમને વ્યવસાયવેરામાંથી મુક્તિ આપી વ્યવસાય વેરો માફ કરવાની કાર્યવાહી કરવી. ગ્રાન્ટેડ સ્કૂલોમાં કર્મચારીઓના પગારમાંથી પ્રતિમાસ વ્યવસાય વેરો ભરવામાં આવે છે. સ્કૂલ પેઢી નથી જેથી પેઢી તરીકે નોંધણી કરી દર વર્ષે 2500 રૂપિયા વસૂલવાની બાબત યોગ્ય નથી, જેથી સ્કૂલોની આપેલી નોટિસ રદ કરવી જોઈએ.