Site icon Revoi.in

AMCમાં કોંગ્રેસના દેખાવો સામે ફરિયાદ નોંધાતા રેલી સ્વરૂપે કોર્પોરેટરો કારંજ પોલીસ સ્ટેશને પહોંચ્યાં

Social Share

અમદાવાદઃ એએમસીની મુખ્ય કચેરીમાં થોડા દિવસ પહેલા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળે તે પહેલા વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ  સમિતિ ખંડમાં ઘૂસી જઈ પોસ્ટરો લગાવી વિરોધ કર્યો હતો. આ મુદ્દે મ્યુનિ.ના સિક્યુરિટી ઓફિસરે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો અને 15થી 20 વ્યક્તિઓના ટોળાં સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આથી  વિપક્ષ કોંગ્રેસ દ્વારા રેલી સ્વરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશનથી કારંજ પોલીસ સ્ટેશન સુધી જઈને નોંધાયેલી ફરિયાદ મામલે પોલીસ સમક્ષ હાજર થયા હતા.

મ્યુનિ.ના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા બજેટમાં જે વાયદા કરવામાં આવ્યા હતા. તે વાયદાઓ હજુ પૂર્ણ કરવામાં આવ્યા નથી. તેથી સત્તાધારી નેતાઓનું ધ્યાન દોરવા માટે કોંગ્રેસ દ્વારા સમિતિ ખંડમાં જઈને વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા રાજકીય પૂર્વગ્રહ રાખી કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ધારાસભ્યો, શહેર કોંગ્રેસ પ્રમુખ, કોર્પોરેટરો સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મામલે હાજર થયા હતા. પ્રજાકીય કામોને માત્ર રાજકીય ભૂમિકા બતાવે છે જેનો કોંગ્રેસ વિરોધ કરે છે. પ્રજાના પ્રશ્નો માટે કોંગ્રેસ હંમેશા અવાજ ઉઠાવતી રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા પાઉલ વસાવાએ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સિક્યુરિટી ગાર્ડ હાજર હતા એ દરમિયાનમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ ત્રીજા માળે રૂમમાં ઘૂસી જઈ અને વિવિધ પોસ્ટરો લગાવ્યા હતા. અને સૂત્રોચ્ચાર કર્યો હતો.પોલીસ ફરિયાદમાં  મિલકતો ઉપર પોસ્ટરો ચોટાડી અને મિલકતને નુકસાન કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સામે કોંગ્રેસના કોર્પોરેટરોએ એવો બચાવ કર્યો હતો. પ્રજાના કામો ન થતાં હોય ત્યારે વિરોધ કરવો પડતો હોય છે. મ્યુનિ.ના ભાજપના સત્તાધિશોની મૌખિક સુચનાથી મ્યુનિ.ના સિક્યુરિટી ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી.