Site icon Revoi.in

ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યોઃ 5 વર્ષમાં 3.75 લાખ લોકોએ ઉડાન ભરી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં વિદેશમાં અભ્યાસ અને રોજગાર અર્થે જવાનો ક્રેઝ વધ્યો છે. પાંચ વર્ષના સમયગાળામાં ગુજરાતમાંથી લગભગ 3.75 લાખ જેટલા નાગરિકો અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશમાં ગયા છે. જો કે, દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના ઓછા નાગરિકો વિદેશમાં ગયા છે. સૌથી વધારે કેરલા, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશના યુવાનો વિદેશ ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાંથી પાંચ વર્ષના સમયગાળામાં 1.77 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગયા છે. જ્યારે તેમજ 1.98 લાખ લોકો રોજગારી માટે વિદેશ ગયા છે.  ગુજરાતમાંથી વર્ષ 2016માં 24,000થી વધુ, 2017માં 33,000થી વધુ, 2018માં 41,000થી વધુ, 2019માં 48,000થી વધુ ગુજરાતીઓ અભ્યાસ તેમજ રોજગાર માટે વિદેશમાં જઈને વસી ગયા છે.

2020માં કોરોનાને પગલે વિદેશ જનારની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લે 2020માં કોરોના સમયગાળામાં કુલ 23,000 ગુજરાતી વિદેશ ગયા હતા. જ્યારે 2021ની શરૂઆતના 2 મહિનામાં 6,000ની આસપાસ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા છે.  આમ 2020ની સરખામણીમાં 2021માં વિદેશ જનાર લોકોની સંખ્યામાં 25 ટકા જેટલો વધારો નોંધાયો છે. જો કે, કોરોના મહામારીને પગલે વિદેશમાં વસવાટ કરતા અનેક ગુજરાતીઓ પરત આવ્યાં છે. તેમજ હાલ અહીં નોકરી અથવા વ્યવસાય કરી રહ્યાં છે. યુએસ-યુકેમાં ગુજરાતીઓની સંખ્યા 22 લાખથી વધુ છે. અમેરિકામાં 17 હજારથી વધુ મોટેલ અને 12 હજારથી વધુ દવાની દુકાનો ગુજરાતીઓની માલિકીની છે. તેમજ વિશ્વભરના દેશોમાં ફેલાયેલા ગુજરાતીઓ પાસે 58 લાખ કરોડ રૂપિયાથી વધુ ધન છે.