Site icon Revoi.in

ટેકાના ભાવથી ઉનાળુ બાજરી સહિતના પાકની ખરીદીની સમયમર્યાદા વધુ એક મહિના લંબાવાઈ

Social Share

અમદાવાદઃ ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન 2023-24માં ગુજરાત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી કરવામાં આવી રહી છે. આ જણસીની ખરીદી માટેનો સમયગાળો અગાઉ તા. 15મી જૂન સુધી નિયત કરવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યમાં વાવાઝોડાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને ખેડૂતોના હિતમાં આ મુદ્દત આગામી તા. 15મી જુલાઈ  એટલે કે વધુ એક માસ સુધી લંબાવવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના ખરીદ કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે.

આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં હાલ બિપરજોય વાવાઝોડાના કારણે ઉત્પન્ન થનાર સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના તમામ ખરીદ કેન્દ્રો અને ગોડાઉનો પર લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને  મકાઇની ખરીદી તા. 14 જૂનથી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી ખેડૂતોના હિતમાં હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. વધુમાં રાજ્યમાં પરિસ્થિતિ અનૂકુળ થયેથી નિયત પદ્ધતિ મુજબ ટેકાના ભાવે રાબેતા મુજબ વિવિધ કેન્દ્રો પર ખરીદી શરૂ કરવામાં આવશે,  જેની તમામ ખેડૂત ખાતેદારોએ નોંધ લેવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પુરતુ વળતર મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના પાકનું વેચાણ માટે નોંધણી કરે છે.

Exit mobile version