Site icon Revoi.in

ગુજરાતમાં નવી સાત મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય ઐતિહાસિક સાબિત થશેઃ ઋષિકેશ પટેલ

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા કરતાં મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું કે, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ માટે વર્ષ 2003-04 માટે રૂ.614.81 કરોડની જોગવાઇ હતી. જે આજે વર્ષ 2024-25માં રૂ. 21,696.28 કરોડે પહોંચી છે. રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહી છે. રાજ્યની અંદાજે 50 ટકા વસતિ અત્યારે શહેરોમાં વસવાટ કરે છે. જે વર્ષ-2047 સુધી વધીને 75 ટકા સુધી પહોંચે તેવી ધારણા છે.

મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વિકસિત ભારત @2047 માટે ગુજરાતની દિશા નક્કી કરી, રાજ્યના 7 કરોડ ગુજરાતીઓના સ્વપ્નો અને આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા, રાજ્ય સરકારે ‘વિકસિત ગુજરાત @2047’નું વિઝન ડોક્યુમેન્‍ટ બહાર પાડ્યુ છે. અત્યાર સુધી થયેલા વિકાસને પાયામાં રાખીને, આ દસ્તાવેજમાં અમૃતકાળના આગામી 25 વર્ષ માટે રાજ્યના ભાવિના લક્ષ્યાંકો નક્કી કરી બીજા રાજ્યોને વિકાસની નવી રાહ ચીંધનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે.

પ્રવર્તમાન શહેરીકરણની સ્થિતિને પારખીને જ રાજ્ય સરકારે રાજ્યમાં નવીન 7 મહાનગર પાલિકા બનાવવાની જાહેરાત આ વર્ષે કરી છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર/વઢવાણના મહાનગરપાલિકા બનવાથી આ શહેરોના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારીમાં વધારો થશે.

શહેરોના આયોજનબદ્ધ વિકાસ દ્વારા ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા સરકાર દ્રઢ નિશ્ચયી છે. વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સગવડો સાથે ટકાઉ અને રહેવાલાયક વસવાટો(Sustainable & livable habitation) પૂરા પાડી, સુશાસનના માધ્યમથી આ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની રાજ્ય સરકારની નેમ છે.

મંત્રીએ ઉમેર્યું કે, વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ પોતાની સફરના 20 વર્ષ પૂર્ણ કરી આજે એક વિશ્વસ્તરીય પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. વિનાશમાંથી વિકાસ, નિરાશામાંથી આશા અને આપદાને અવસરમાં ફેરવવાની પ્રધાનમંત્રી  નરેન્‍દ્રભાઇની કુનેહના કારણે વાઇબ્રન્‍ટ ગુજરાત સમિટ આજે રાજ્યની એક વિશિષ્ટ ઓળખ બન્યું છે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાત રાજ્યમાં વર્ષ 2016માં એકત્રિત કરેલ આવસની અંદાજીત માંગ મુજબ 7.64  લાખ આવાસોના લક્ષ્યાંક સામે આજ દિન સુધી 9.61 લાખ જેટલા આવાસો મંજૂર કરવામાં આવી છે. આ મંજૂર થયેલા આવાસો પૈકી 8.28 લાખ જેટલા આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ વર્ષના બજેટમાં વધુ લોકોને આવાસ પૂરા પાડવાના આશયથી રૂ. 1323  કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મંત્રીએ સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંગે કહ્યું કે, રાજ્યની 50 ટકા વસતિ શહેરી વિસ્તારમાં વસવાટ કરી રહી છે. શહેરોના સર્વાંગી વિકાસ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વર્ષ 2026-27 સુધી એટલે કે વધુ ત્રણ વર્ષ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રી  પટેલે વધુમાં જણાવ્યું કે, ભારત સરકારે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 નો સમયગાળો વર્ષ 2026 સુધી નવા ઘટકો સસ્ટેનેબલ સેનીટેશન, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, વેસ્ટ વોટર મેનેજમેન્ટ, આઈ.ઈ.સી, કેપેસીટી બિલ્ડીંગ સાથે લંબાવ્યો છે. આ યોજના અંતર્ગત વર્ષ 2024-25 માટે રૂ. 305 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સ્વચ્છ સર્વેક્ષણ 2023માં ગુજરાતનાં સુરત શહેરે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અને 7 સ્ટાર રેટિંગનો લક્ષ્યાંક હાંસલ કરી ગુજરાતનાં ગૌરવામાં વધારો કર્યો છે.

Exit mobile version