Site icon Revoi.in

રક્ષાબંધનના પર્વને પણ મોંઘવારી નડી, રાખડીના ભાવમાં 20 ટકાનો થયો વધારો

Social Share

અમદાવાદઃ મોંઘવારી દિનપ્રતિદિન વધતી જાય છે. દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેમ આ વખતે રક્ષાબંધનના પર્વ પહેલા જ રાખડીના ભાવમાં પણ 20 ટકા આસપાસનો વધારો જોવા મળી રહ્યો છે. આવતા મહિને રક્ષાબંધનનો તહેવાર છે. પણ અત્યારથી જ બજારમાં રાખડીની રોનક જોવા મળી રહી છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને લીધે રક્ષાબંધન સહિતના તહેવારોની ઉજવણી ફીક્કી રહી હતી. આ વર્ષે તહેવારોની ઉજવણી શાનદાર થાય તેમ છે પરંતુ મોંઘવારીએ તમામ તહેવારોની ઉજવણીને ફીક્કી બનાવી શકે તેમ છે. આ વર્ષે રાખડીના ભાવમાં ગત વર્ષની તુલનાએ 20 ટકા જેટલો વધારો થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત મહાનગરોમાં અનેક પરિવારો રાખડી બનાવવાના વ્યવસાયમાં જોડાયેલા છે. આ વખતે અવનવી ડિઝાઈનની રાખડીઓ જોવા મળી રહી છે. જેમાં સુરતમાં બનતી રાખડી તો દેશ દુનિયામાં જાણીતી છે. ભાઇ અને બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને બે વર્ષ કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. પરંતુ આ વર્ષ માર્કેટમાં રાખડીની દુકાનો જોવા મળી રહી છે. જોકે રાખડી બનાવવાની મજુરી અને રો-મટિરીયલ્સના ભાવમાં વધારો થતા રાખડીના ભાવમાં 15થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.
સુરતની બનાવટની રાખડી દિલ્હી, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાં વેચાણ અર્થે જાય છે. કોરોના મહામારીમાં રાખડી બનાવવાના કામકાજને અસર થઇ હતી. પણ આ વર્ષે પેટ્રોલ ડિઝલના ભાવવધારાને કારણે કાચામાલમાં વધારો થયો છે. રાખડી બનાવવાના કાચામાલમાં વધારો થતાં રાખડીના ભાવમાં 20 ટકા જેટલો વધારો થયો છે. જેના કારણે રાખડીના ઓર્ડર પર અસર જોવા મળી રહી છે.
અમદાવાદના રાયપુરમાં ફેન્સી રાખડીની દુકાન ધરાવતા  વેપારીએ જણાવ્યું હતુ કે, ગત વર્ષ કરતા સિઝન સારી જવાના અણસાર છે, પરંતુ ભાવવધારાને લીધે રાખડીના ઓર્ડર પર અસર થઈ છે. આમ છતાં અંતિમ સપ્તાહમાં વેચાણ વધવાની આશા છે. આ વર્ષે રૂદ્રાક્ષ અને પેન્ડલ રાખડીની ડિમાન્ડ વધુ છે. ઉપરાંત
ઓમ, ગણપતિ, મેરે ભૈયા, વગેરે લખાણ વાળા પેન્ડલની રાખડી લોકોમાં લોકપ્રિય બની રહી છે. આજના ડિજિટલ યુગમાં ક્યુઆર કોડ વાળી રાખડી આકર્ષણનું કેન્દ્ર બની છે. જે મોબાઇલની મદદથી ક્રેન કરવામાં આવતા ભાઇને સંદેશ મળે છે. રક્ષાબંધનને હજુ ઘણા દિવસ બાકી છે. ત્યારે આ વર્ષે વેચાણમાં વધારો થશે અને નવી ડિઝાઇન સાથે નવો રાખડીનો સ્ટોક પણ આવ્યો છે. ગત વર્ષ કરતા ભાવમાં વધારો થયો છે.
રાખડી વેચતા વેપારીઓના કહેવા મુજબ, આ વર્ષે ગાયના છાણમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી રાખડી પણ બજારમાં આવી છે.. વૈદીક રાખડી બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આવી વૈદીક રાખડીની કિંમત રૂપિયા 30થી 100 સુધી છે.’