Site icon Revoi.in

ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોનું શોષણ ન થાય અને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ : બળવંતસિંહ રાજપૂત

Social Share

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભામાં આજે ઔદ્યોગિક એકમોમાં કર્મચારી / વર્કરોના શોષણ સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી  બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક એકમોમાં કાર્યરત કર્મચારી કે વર્કરોનું શોષણ ન થાય અને તેમના હિતો જળવાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યભરમાં આવા કોઈ પણ કિસ્સા ધ્યાને આવે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. તા.31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં બોટાદ જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં એક પણ ફરિયાદ મળી નથી. તો બીજી તરફ નર્મદા જિલ્લામાં આવી એક ફરિયાદ મળી છે. ઈંટો ભઠ્ઠાની આ ફરિયાદના અનુસંધાને બંને પક્ષકારોને રૂબરૂ બોલાવી સમાધાન કરાવી સંસ્થાના બે શ્રમયોગીઓને સંસ્થા તરફથી રૂ. 60 હજારનું સમજાવટથી ચુકવણું કરાવવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભામાં આજે ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોના શોષણના મુદ્દે પૂછાયેલા  પૂરક પ્રશ્નના ઉત્તર આપતા  શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી  બળવંતસિંહ રાજપૂતે  વધુમાં જણાવ્યું  હતું કે, રાજ્ય સરકાર દ્વારા શ્રમયોગીઓના આરોગ્ય માટે સતત ચિંતા કરીને તેમને ઘર આંગણે કે તેમના કામકાજના સ્થળે જ જરૂરી નિદાન અને સારવાર મળી રહે તે માટે ધનવંતરી રથ તૈયાર કરાવ્યા છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આ ધનવંતરી રથ દરેક તાલુકે પહોંચાડવામાં આવી છે. રાજ્ય સરકારે 100  થી વધુ ધનવંતરી રથ વધારાના ફાળવ્યા છે. જેનો ઉપયોગ તાલુકા મથકે કડિયા નાકા સહિતના વિવિધ સ્થળોએ શ્રમયોગીઓ માટે કરવામાં આવશે. કામદારોના હિત માટે સરકાર સતત પ્રયત્નશીલ હોય છે.