Site icon Revoi.in

દેશ વિરોધી કન્ટેન્ટ બતાવતી કેટલીક વેબસાઈટ, યુટ્યૂબ ચેનલ અને ટ્વિટર એકાઉન્ટને સરકારે બંધ કર્યા

Social Share

દિલ્હી: ભારત વિરૃદ્ધ અપપ્રચાર કરતા અને ખોટી માહિતી ફેલાવતા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ૩૫ યુટયૂબ ચેનલ, બે વેબસાઈટ્સ, બે ટ્વિટર એકાઉન્ટ્સ, બે ઈન્સ્ટાગ્રામ અને એક ફેસબુક એકાઉન્ટ્સને બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો હતો.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી અપપ્રચાર કરતા સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે આકરી કાર્યવાહી કરી છે. 35 યુટયૂબ ચેનલ, બે વેબસાઈટ અને પાંચ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ એકાઉન્ટ્સ પાકિસ્તાનમાંથી ચાલતા હતા.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે દેશ વિરૃદ્ધ ષડયંત્ર રચી રહેલાં આવા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવા માટે સોશિયલ મીડિયા કંપનીઓને કહેવામાં આવ્યું હતું. કંપનીઓએ ભારત વિરોધી એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરી હતી. અગાઉ સરકારે ભારત વિરૃદ્ધ દુષ્પ્રચાર કરતી 20 યુટયૂબ ચેનલ સામે કાર્યવાહી કરી હતી.

દરમિયાન મદ્રાસ હાઈકોર્ટમાં એક અરજી થઈ હતી કે સોશિયલ મીડિયામાં થતી ગુનાખોરીના સંદર્ભમાં કંપનીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. એ અરજીના સંદર્ભમાં મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારને આ મુદ્દે જવાબ આપવા જણાવ્યું છે. યુટયૂબ, ફેસબુક જેવી કંપનીઓના પ્લેટફોર્મના માધ્યમથી ગુનાખોરી થાય તેવા કેસમાં કંપનીઓને આરોપી કે ઉશ્કેરણી કરનાર તરીકે જોડી શકાય કે કેમ તે દિશામાં વિચારણા કરવા જણાવાયું છે.