Site icon Revoi.in

ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા 8 વિધેયકોને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાએ ગત સત્રમાં પસાર કરેલા ૮ વિધેયકોને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી છે. ગુજરાત ફ્રીડમ ઓફ રિલીજીયન (સુધારા) વિધેયક, ગુજરાત (લવ જેહાદ),  અશાંતધારા સુધારા વિધેયક, ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેંટસ સુધારા વિધેયક અને ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક સહિત કુલ ૮ વિધેયકોને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે.

રાજ્યના વૈધાનિક અને સંસદીય બાબતોના પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોની સુખાકારી અને સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે ૧૪મી ગુજરાત વિધાનસભાના ૮ માં સત્રમાં ૧૫ જેટલા વિધેયકો રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી અગાઉ વિધાનસભા સત્ર દરમિયાન મંજુર થયેલા 7 વિધેયકો પ્રસિધ્ધ થયા બાદ હવે બાકીના ૮ વિધેયકોને રાજ્યપાલએ મંજૂરીની મહોર મારી છે તે હવે એક્ટ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવશે. આમ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ ૧૫ વિધેયકોને રાજયપાલે મંજુરીની મહોર મારી છે.

ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, જે વિધેયકોને  રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેમાં ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ) બાબત (સુધારા) વિધેયક, 2021, ગુજરાત પંચાયત (સુધારા) બિલ, 2021, ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબત (સુધારા) વિધેયક, ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજીયન (સુધારા) વિધેયક (લવ જેહાદ બાબતનું બીલ), ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક, ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેંટસ (રજિસ્ટ્રેશન એન્‌ડ રેગ્યુલેશન) વિધેયક અને ફોજદારી કાર્યરીતી (ગુજરાત સુધારા) વિધેયકનો સમાવેશ થાય છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયેલ ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ) બાબત (સુધારા) વિધેયક, 2021માં  આયુષ કોર્ષના અન્ડર ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષીસના પ્રવેશ પ્રક્રિયા અર્થે 15 ટકા બેઠકો સરકારી, ગ્રાન્ટ ઈન એઈડ્સ સંસ્થા અને ખાનગી સંસ્થા તેમજ 85 ટકા બેઠકો રાજ્ય સરકાર દ્વારા ભરવા બાબતનો સુધારો કરવા માટે રજૂ થયુ હતું જેને મંજૂર કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયેલા ગુજરાત પંચાયત (સુધારા) બિલ, 2021 આ વિધેયકમાં જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓને નાબુદ કરી પંચાયત સેવા વર્ગ-૩ના તમામ સંવર્ગની સીધી ભરતી કરવા અંગેની સત્તા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડને આપવા માટે ગુજરાત પંચાયત અધિનિયમ, 1993માં આનુશંગિક સુધારા કરવાનો હતો તેને પણ મંજૂર કરવામાં આવ્યો છે.