Site icon Revoi.in

લાંચ લેતા GST અધિકારીને કાર ભગાવવી ભારે પડી, લાંચ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો

Social Share

અમદાવાદ: ગુજરાતમાં સરકારી તંત્ર ભ્રષ્ટાચારની ગંગોત્રી બનતું જાય છે. કેટલાક કિસ્સાઓ પકડાય છે, તો મોટાભાગના લોકો ભ્રષ્ટાચાર સામે ફરિયાદ કરવાનું ટાળતા હોવાથી કિસ્સાઓ બહાર આવતા નથી. તાજેતરમાં અમદાવાદમાં જીએસટી ઈન્સ્પેક્ટર કારમાં બેસીને જ 3000ની લાંચ લેતા પકડાતા ઈન્સ્પેકટરે એસીબીના સ્ટાફને જોઈને કાર ભગાવી મુકી હતી તેના લીધે ફરિયાદી અને એસીબીના એક સ્ટાફને ઈજાઓ થઈ હતી. પરંતુ  જીએસટી ઇન્સ્પેકટરને રૂપિયા 3000ની લાંચ એટલી હદે ભારે પડી છે કે એક નહિ બે-બે ગુનામાં જેલમાં જવાનો વખત આવ્યો છે.

રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી શાખાના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સાબરમતીના પ્રિતેશ પટેલે તેની સિક્યુરિટી એજન્સી માટે જીએસટી નંબર મેળવવા માટે ઓનલાઈન અરજી કરી હતી જેની સ્થળ તપાસ કરવા માટે જીએસટી ઇન્સ્પેક્ટર પરેશ પ્રિયદર્શી ફરિયાદીની ઓફિસ પર ગયા હતા. જ્યાં તમામ દસ્તાવેજો જોયા બાદ જીએસટી અધિકારીએ રૂપિયા પાંચ હજારની લાંચની માગણી કરી હતી અંતે રકઝક કરીને રૂપિયા 3000માં સેટલમેન્ટ થયું હતું.  જે લાંચની રકમ ફરિયાદીને આપવી ન હતી તે માટે તેઓએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. જે બાદ છટકાનું આયોજન કર્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદીએ જી.એસ.ટીના ઇન્સ્પેકટરને લાંચની રકમ લેવા માટે વિસત સર્કલ પાસે આવેલા શુકન મોલની સામે બોલાવ્યા હતા. જ્યાં આરોપીએ ફરિયાદીને પોતાની ગાડીમાં બેસી જવા માટે કહ્યું હતું અને ફરિયાદીએ તેને રૂપિયા 3000 આપીને એસીબીના અધિકારીઓને ઈશારો કર્યો હતો. જોકે આરોપીને પણ કંઈક થઇ રહ્યું હોવાની શંકા ગઈ હતી અને એસીબીની ટ્રેપ હોવાનું જાણવા મળતા જ તેણે ફરિયાદીને કારમાંથી નીચે ઉતર્યા સિવાય જ કાર પૂર ઝડપે દોડાવી હતી. જેમાં ફરિયાદીને પગ, હાથ અને માથા ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. લગભગ 400 મીટર સુધી ઠસડ્યા બાદ ફરિયાદી ડીવાઈડર સાથે અથડાતા નીચે પટકાયા હતા. આ બાબતની જાણ ચાંદખેડા પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જોકે આ સિવાય આરોપી સામે એસીબીમાં પણ અન્ય એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.