Site icon Revoi.in

રક્ષક જ બન્યો ભક્ષક, પોલીસ કોન્સ્ટેબલે વેપારીનું અપહરણ કરી રૂપિયા 55 લાખની લૂંટ કર્યાની ફરિયાદ

Social Share

અમદાવાદઃ પોલીસ પ્રજાનો રક્ષક છે, પણ ક્યારેક રક્ષક જ ભક્ષક બનતો હોય છે. એક પોલીસ કોન્સ્ટેબલે વેપારીનું અપહરણ કરીને રૂપિયા 55 લાખની લૂંટ કર્યાનો બનાવ બન્યો છે. શહેરના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા એક વેપારીનું અપહરણ કરીને રૂ.55 લાખની લૂંટ કરનારા સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ આકાશ પટેલ સહિત 4 સામે સોલા હાઈકોર્ટ પોલીસે લૂંટ અને અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આકાશ પટેલ વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોલ્ડન ટ્રિપ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક સંજય પટેલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી આકાશ પટેલ સહિત 4 સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તા.18 ઓગસ્ટે આકાશ પટેલ સહિત 4 જણાંએ તેમનું અપહરણ કરીને ધાકધમકી આપીને રૂ.55 લાખ લૂંટી લીધા હતા. આ ઘટનાનો ભાંડો ફૂટતા જ આરોપી આકાશે પૈસા પાછા આપવાની વાત કરીને વેપારીને રૂ.30 લાખ પાછા આપી દીધા હતા. પરંતુ બાકી રહેલા રૂ.25 લાખ પાછા આપ્યા ન હતા. જો કે આ ઘટના અંગે સંજય પટેલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેના આધારે પોલીસ કોન્સ્ટેબલ આકાશ પટેલ સહિત 4 સામે ગુરુવારે મોડી રાતે ગુનો નોંધાયો હતો. આકાશ અને તેના સાગરિતો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાથી પોલીસના હાથમાં આવ્યા નથી.

સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વેપારી સંજય પટેલ 18 ઓગસ્ટે કલોલથી અલ્કાઝાર ગાડી લઈ તેમની ઓફીસ ખાતે આવ્યા હતા. તેમની સાથે  તેમના કાકાનો દીકરો તથા મિત્ર મુકેશ પટેલ ઓફીસના પાર્કીંગ ખાતે કારમાં બેઠા હતા ત્યારે કારનીપાછળ એક સીયાઝ ગ્રે કલરની કાર આવી અને તેમાંથી ચાર અજાણ્યા માણસો ઉતરી સંજય પટેલની ગાડીના દરવાજા આગળ ઉભા રહી ગયા હતા અને કહેવા લાગ્યા હતાં કે, અમે ક્રાઈમ બ્રાંચથી આવીએ છીએ તમારી એક મેટરમાં પુછપરછ કરવાની છે. સંજય પટેલે તેઓને પુછ્યું હતું કે, શેની મેટર છે એટલે આરોપીઓએ તેમને કહ્યું હતું કે, સાહેબનો ઓર્ડર છે તેમની સાથે વાત કરી લે જે. ત્યાર બાદ આ ચાર શખસો સંજય પટેલ પર ઉશ્કેરાઈ ગયા હતાં. મોબાઈલ અને કારની ચાવી લઈ લીધી હતી. ત્યાર બાદ કેસની પતાવટ માટે 70 લાખ રૂપિયા માંગ્યા હતાં. ખોટા કેસ કરવાની ધમકી આપીને રૂપિયાની માંગણી કરી હતી. અને 55 લાખ પડાવ્યા હતા. આ ચારેય સામે  સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

 

Exit mobile version