Site icon Revoi.in

વડોદરા કમટીબાગમાં જોય ટ્રેનને બોટકાંડ બાદ બંધ કરી દીધી હતી, હવે ક્યારે શરૂ કરાશે ?

Social Share

વડોદરાઃ શહેરમાં ગત જાન્યુઆરી મહિનામાં હરણી તળાવ ખાતે હોડી દુર્ઘટના સર્જાયા બાદ સલામતીના કારણોથી શહેરના કમાટીબાગમાં બાળકોના આનંદ પ્રમોદ માટે જુદી જુદી રાઈડ તેમજ જોય ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. છેલ્લા અઢી મહિના રાઈડ અને જોય ટ્રેન બંધ કરવામાં આવી છે. તે હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી. ઉનાળામાં વેકેશન દરમિયાન કમાટીબાગમાં બહારથી ફરવા આવતા સહેલાણીઓનો ઘસારો વધુ રહે છે. અને સહેલાણીઓ જોય ટ્રેનમાં અચૂક મુસાફરી કરી આનંદ લેતા હોય છે. ત્યારે બાળકો માટેની રાઈડ અને જોય ટ્રેન બંધ હોવાથી મુલાકાતીઓ નિરાશ થઈને પરત ફરી રહ્યા છે, તેથી સત્વરે બાળકો માટેની જુદી જુદી રાઈડ અને જોય ટ્રેન શરૂ કરવાની માગ ઊઠી છે.

વડોદરામાં ગત જાન્યુઆરી મહિનામાં હરણી લેકમાં હોડી દુર્ઘટનામાં બાળકોના મોત બાદ ભારે ઉહાપો થતાં મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ શહેરના કમાટી બાગમાં બાળકો માટેની જુદી જુદી રાઈડ તેમજ જોય ટ્રેન સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવી હતી. વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સલામતીના મુદ્દાઓને ધ્યાનમાં રાખી જોય ટ્રેનના ટ્રેક અને ટ્રેનના ફિટનેસ સર્ટિફિકેટ વગેરે માગ્યા હતા. આ તમામ સર્ટિફિકેટની કોર્પોરેશન દ્વારા પૂર્તતા કરી દેવામાં આવી છે. જે નાની રાઈડ છે તે સર્ટિફિકેટ ફ્રી છે, એટલે તેના સર્ટી.ની પૂર્તતા કરવાની જરૂર ન હતી, મ્યુનિ.ના અધિકારીઓએ જરૂરી તમામ દસ્તાવેજોની તપાસ કર્યા માટે સલામતી માટે નિરિક્ષણ પણ કર્યું હતું.

વડોદરા કોર્પોરેશન દ્વારા સર્ટિફિકેટ અને દસ્તાવેજો યોગ્ય હોવાની પૂર્તતા કરી દેવામાં આવી છે. અને હાલ ફાઈલ તૈયાર કરીને અંતિમ મંજૂરી માટે મૂકી દેવામાં આવી છે, એટલે કે ટૂંક સમયમાં જોય ટ્રેન અને બાળકો માટેની રાઈડ ચાલુ થઈ જાય તેવી શક્યતા છે. જોકે ટ્રેનના ઇજારદારએ મ્યુનિ. કોર્પોરેશનમાં આ અંગે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ ચોક્કસ સમય અપાયો નથી. જેના કારણે સહેલાણીઓને પણ ટ્રેન ક્યારે ચાલુ થશે તે અંગે કહી શકતા નથી. ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કમાટીબાગમાં સહેલાણીઓના આનંદ પ્રમોદ માટે રાઈડ અને ટ્રેનનો ઇજારો અપાયો બાદ દર વર્ષે કોર્પોરેશનમાં વાર્ષિક પ્રીમિયમ ઇજારદાર દ્વારા જમા કરાવવામાં આવે છે.