Site icon Revoi.in

ચિત્તાનું થશે ભારતમાં પુનરાગમન, કંઈક આવો હતો ચિત્તાનો ઈતિહાસ

Social Share

દિલ્લી: આજથી વર્ષો પહેલા ભારતમાં જોવા મળતી ચિત્તાની પ્રજાતિ હવે ફરીવાર ભારતમાં જોવા મળશે. લગભગ પાંચ દાયકાથી ભારતમાં ચિત્તા જોવા મળ્યા નથી અને હવે દક્ષિણ આફ્રિકાથી પાંચ નર અને ત્રણ માદા એમ કુલ આઠ ચિત્તા 8405 કિલોમીટરનું અંતર કાપીને નવેમ્બરમાં ભારત આવી પહોંચશે. જેને મધ્ય પ્રદેશની ચંબલ નદીના વિસ્તારમાં આવેલા કૂનો નેશનલ પાર્કમાં રાખવામાં આવશે.

તીવ્ર ઝડપે દોડવાની કુશળતાના કારણે આગવી ઓળખ ધરાવતા ચિત્તાનું ૫૦ વર્ષ બાદ ભારતમાં પુનરાગમન થવા જઈ રહ્યું છે.

જો ઈતિહાસની વાત કરવામાં આવે તો એક સમયે ભારતમાં મોટી સંખ્યામાં ચિત્તા હતા. જોકે ગેરકાયદે શિકારને કારણે તે હવે લુપ્ત થવાના આરે પહોંચી ગયા છે. વિશ્વના સૌથી ઝડપી શિકારી પ્રાણી ચિત્તાને ભારત મોકલવા માટે સાઉથ આફ્રિકા તૈયાર થઈ ગયું છે. ઘાંસવાળા મેદાનમાં ચિત્તો ૧૧૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

ચિત્તાની સૌથી વધુ સંખ્યા આફ્રિકાના દેશોના જોવા મળે છે. વિશ્વમાં સૌથી વધુ સાત હજાર ચિત્તાઓ મોટાભાગે સાઉથ આફ્રિકા, નામિબિયા અને બોટ્સવાનામાં જોવા મળે છે. ભારતમાં છેલ્લે 1967-68માં ચિત્તો જોવા મળ્યો હોવાનો રેકોર્ડ મળે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ભારતના વન્યજીવ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયાના વડા ડૉ. યાદવેન્દ્રદેવ ઝાલાને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, ચિત્તાના પુનઃવસન માટે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં એક રાષ્ટ્રીય ઉદ્યાન અને બે અભયારણ્યની પસંદગી કરી છે.

હાલના તબક્કે તો ચિત્તાને મધ્ય પ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાખવામાં આવશે. જોકે વન્યજીવ નિષ્ણાતો ચિત્તાના પુનઃવસન માટે રાજસ્થાનના મુકુન્દ્રા હિલ્સની તરફેણ કરી રહ્યા છે, જે હાલમાં વાઘના અભયારણ્ય તરીકે સુરક્ષિત છે.