Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને બે કરોડના ખર્ચે બનાવેલો મિનરલ પાણીનો પ્લાન્ટ નિષ્ફળ ગયો

Social Share

અમદાવાદ: શહેરના મ્યુનિ કાર્પોરેશનના સત્તાધિશો દ્વારા ઘણીવાર અવિચારી ખર્ચ કરીને યોજના બનાવવામાં આવતી હોય છે. એવી ઘણી યોજનાઓ છે કે, તેનું બાળ મરણ થયું હોય અને કરેલા ખર્ચ માથે પડ્યો હોય, આવી જ એક યોજના મિનરલ બોટર બોટલની બનાવવામાં આવી હતી. આ યોજના નિષ્ફળ જતાં બે કરોડનો કરેલા ખર્ચ માથે પડ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભૂમિપુજન, લોકાર્પણ કે ખાતમૂર્હૂત, સેમિનાર, બેઠકો અને અન્ય કાર્યક્રમોમાં દર વર્ષે 40થી 50 લાખ રુપિયાનો ખર્ચ માત્ર મિનરલ વોટરની પાણીની બોટલો ખરીદી પાછળ થતો હતો.  આથી દર વર્ષે લાખો રુપિયાના મિનરલ વોટરની બોટલના ખર્ચને બચાવવા માટે કોતરપુર ખાતે મિનરલ વોટર પ્લાન્ટ નાંખી દીધો હતો. સાથે જલ નામથી પોતાની મિનરલ વોટરની બોટલની બ્રાંડ પણ લોંચ કરી દીધી હતી. જોકે, અમદાવાદીઓના પરસેવાની કમાણી બચાવવાના નામે કરાયેલો મિનરલ વોટર પ્લાન્ટ પણ નિષ્ફળ સાબિત થયો છે અને આ મિનરલ વોટર પ્લાન્ટ પાછળ કરાયેલો બે કરોડનો ખર્ચ માથે પડ્યો છે. સાથે હવે દર વર્ષે અંદાજે 20થી 25 લાખ રુપિયાનો ખર્ચ મિનરલ વોટરની બોટલ ખરીદી કરવા પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો અને અધિકારીઓ ખુદ જલ બ્રાંડની મિનરલ વોટરની બોટલનું પાણી પીતા નથી. દરેક ઇવેન્ટમાં અન્ય બ્રાંડનું મિનરલ વોટર મંગાવવામાં આવે છે અને લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, તત્કાલિન મ્યુનિ. કમિશનર ડી. થારા દ્વારા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો પોતાનો મિનરલ વોટર બોટલિંગ પ્લાન્ટ નાંખવાની યોજના મંજુર કરી હતી. જેમાં 2 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. કોતરપુર ખાતે મિનરલ વોટરનો બોટલિંગ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો હતો. વર્ષ 2014માં પ્લાન્ટ તૈયાર થઇ ગયો હતો પણ બે વર્ષ સુધી તે કાર્યરત થઇ શક્યો ન હતો પછી 2016ની આસપાસ જલ નામની બ્રાંડથી પ્લાન્ટને કાર્યરત કરવામાં આવ્યો હતો. (file photo)