Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં 11મી ડિસેમ્બરે યોજાશે ધારાસભ્ય દળની બેઠક,મુખ્યમંત્રીના નામની કરવામાં આવશે જાહેરાત

Social Share

ભોપાલ :મધ્યપ્રદેશમાં 3 ડિસેમ્બરે જાહેર થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને ફરી એક વખત પ્રચંડ બહુમતી મળી છે. જો કે, એક સપ્તાહ બાદ પણ ભાજપે મુખ્યમંત્રી પદ માટે નામની જાહેરાત કરી નથી.

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ ભાજપમાં મુખ્યમંત્રી પદ માટે મંથન ચાલી રહ્યું છે, પરંતુ હવે મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સનો ટૂંક સમયમાં અંત આવશે. કારણ કે, ધારાસભ્ય દળની બેઠકની તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશમાં સોમવારે એટલે કે 11મી ડિસેમ્બરના રોજ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. આ અંગે તમામ ધારાસભ્યોને સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે. વિધાનસભા પક્ષની બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નેતૃત્વ દ્વારા પસંદ કરાયેલા નિરીક્ષકો દ્વારા કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તે અંગે વિચારણા કરવામાં આવશે.

મધ્યપ્રદેશમાં કેન્દ્રીય નેતૃત્વએ 8 ડિસેમ્બરે નિરીક્ષકોના નામની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશમાં, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કે લક્ષ્મણ અને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ આશા લાકરાને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે 163 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસે 66 બેઠકો જીતી છે. આ સિવાય અન્ય એક પક્ષને એક બેઠક મળી છે.