Site icon Revoi.in

કેવડિયાના શુલપાણેશ્વર મંદિર પાસે નર્મદા ઘાટ પૂર્ણતાને આરે, રોજ નર્મદા મૈયાની આરતી કરાશે

Social Share

રાજપીપળાઃ ઉત્તરપ્રદેશના વારાસણીના ગંગાઘાટની થીમ પર ગુજરાતના કેવડિયા નજીક ગોરા ખાતે 14 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાઘાટ તૈયાર થઇ રહ્યો છે. આ ઘાટ પર રોજ આરતી થશે અને શ્રદ્ધાળુઓ નર્મદા નદીના આ ઘાટ પર સુરક્ષિત રીતે સ્નાન કરી શકશે. આ ઘાટની કામગીરી હવે પૂર્ણતાના આરે છે.  વડાપ્રધાન નરેન્દ્ર  મોદી મહાઆરતી કરીને આ ઘાટનું લોકાર્પણ કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  સરદાર સરોવરથી ગરુડેશ્વર વિયર ડેમ સુધી 12 કિમીનું વિશાળ સરોવર બનાવ્યા બાદ ક્રૂઝ બોટ સેવા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી હતી, ત્યારે હવે ધાર્મિક સ્થળોનો પણ વિકાસ કરવામાં આવ્યો છે, જે શ્રદ્ધાળુઓ માટે ખુશીની વાત છે. પ્રવાસીઓ માટે આકર્ષણ વધી જશે. વારાણસી અને હરિદ્વારમાં જે ગંગાઘાટ છે એવો જ નર્મદાઘાટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં બને એવી વડાપ્રધાને ઈચ્છા વ્યક્ત કરી હતી,  નર્મદીના ઘાટ પર બેસીને  ભક્તો નર્મદા સ્નાન કરી શકશે, રોજ નર્મદા મૈયાની આરતી થશે અને નર્મદા સ્નાન માટે આવતા સાધુ-સંતો માટે એકદમ સુરક્ષિત સ્થાનનો અનુભવ કરશે..

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગોરા શૂલપાણેશ્વર મંદિર પાસે નર્મદાઘાટ બનાવવા માટેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો ઘાટ બની રહ્યો છે. શૂલપાણેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો પણ બનીને તૈયાર થઈ રહ્યો છે, ત્યારે હવે તેને આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે. અંદાજે 14 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાકિનારે ઘાટના નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

નર્મદા જિલ્લામાં આવેલી નર્મદા નદીને કિનારે પંચકોશી પરિક્રમાનું વિશેષ મહત્ત્વ છે. નર્મદાજયંતીએ અહીં નર્મદા પૂજનના અનેક કાર્યક્રમો થાય છે, ત્યારે હવે કેવડિયા કોલોની નજીક ગોરા ગામ ખાતે 14 કરોડના ખર્ચે નર્મદાઘાટ બનાવવાની કામગીરી પૂર્ણતાને આરે છે. નર્મદાઘાટ શરૂ થયા પછી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓ અને ગુજરાતભરના ભક્તો આ નર્મદા મૈયાની આરતીનો લાભ લઈ શકશે. ઉત્તરપ્રદેશના હરિદ્વાર અને વારાણસીમાં જે ધાર્મિક સ્થળો છે ત્યાં ગંગા મૈયાની મહાઆરતી રોજ થાય છે, એ જ રીતે નર્મદા મૈયાની આરતી પણ અહીં કરાવવાનું આયોજન થઈ રહ્યું છે, જેના ભાગરૂપે આ ઘાટ બનાવવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ આ વિસ્તારનો પ્રવાસન તરીકે વિકાસ થઈ રહ્યો છે.