Site icon Revoi.in

અમદાવાદના ન્યૂ મણિનગરના વિસ્તારમાં બનેલો રોડ માત્ર પાંચ દિવસમાં જ તૂટી ગયો

Social Share

અમદાવાદઃ શહેરમાં રોડ-રસ્તાઓને મરામત અને નવા બનાવવા માટે દર વર્ષે કોરોડો રૂપિયાનો ખર્ચ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. પણ ભ્રષ્ટાચારને લીધે યોગ્ય ગુણવત્તાવાળા રોડ બનાવવામાં નહીં આવતા હોવાથી રોડ બનાવ્યાને મહિનામાં જ રોડ તૂટી જતા હોય છે.  શહેરમાં વરસાદને કારણે ઠેકઠેકાણે રોડ તૂટી ગયાં છે અને રસ્તા પર ગાબડાં પડી ગયાં છે. ત્યારે મ્યુનિસિપલ તંત્રએ આ ગાબડાં પુરવાનું કામ મોટાભાગે પુરૂ કરી નાંખ્યું હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ શહેરમાં ન્યૂ મણિનગર વિસ્તારમાં તૂટી ગયેલા રોડ પર ફરી વાર નવો રોડ બનાવવાની માંગ ઘણા સમયથી હતી. ત્યારે અહીં ભાજપના કોર્પોરેટરોએ ખુદ ઉભા રહીને રોડ તૈયાર કરાવડાવ્યો હતો. જે તૈયાર થયાનાં માત્ર પાંચ જ દિવસમાં બેસી ગયો હતો. ગણતરીના સમયમાં રોડ બેસી જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની સ્થાનિકોમાં ચર્ચા જાગી છે.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ હાથીજણ વોર્ડમાં આવતા ન્યુ મણિનગર વિસ્તારમાં આ પેચવર્કની કામગીરીનો પોલ ખોલ વીડિયો સામે આવ્યો છે. પાંચ દિવસમાં જ રોડ બેસી ગયો હતો અને ફરી પાછો ત્યાં ખાડો પડી ગયો હતો. ડ્રેનેજ લાઈનની નાખી હતી અને તેની ઉપર પેચવર્ક કરવામાં આવ્યું હોવાનો અધિકારીઓએ જણાવ્યું હતું. ગણતરીના સમયમાં રોડ બેસી જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની સ્થાનિકોમાં ચર્ચા જાગી છે. ન્યુ મણિનગર વિસ્તારમાં 5 દિવસ પૂર્વે જ બનાવાયેલો રોડ બેસી ગયો હતો. વોર્ડના ભાજપ કોર્પોરેટર ચંદ્રિકાબેન પંચાલ સહિતના કોર્પોરેટરોએ મધરાતે રાઉન્ડ લેવાતો હોવાનો પ્રચાર કરતા ફોટો પડાવ્યા હતા. ગૃહમંત્રીની વટવા વિધાનસભામાં મોટો વિકાસ કરાતો હોવાના ગીત મારફતે બણગાં ફૂંક્યા હતા. રોડની કામગીરીનો વીડિયો પણ બનાવ્યો હતો. જો કે માત્ર ગણતરીના દિવસમાં જ રોડ બેસી જતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ ખાડા અને રોડ તૂટી જવાની ફરિયાદ ઉઠવા પામી હતી. શહેરમાં વરસાદ બંધ હોવાથી જુદા જુદા રસ્તા ઉપર પેચવર્કના કામો મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર ખાતાનાં અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. એક બાદ એક પેચવર્કનાં કામો ઝડપથી કરી 10 હજાર જેટલા ખાડા પૂર્યા હોવાનો દાવો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. કોર્પોરેટરોએ પણ પોતાના વોર્ડમાં રોડના ખાડા પુરવાની કામગીરી શરૂ કરાવવા રજૂઆત કરતા ઈજનેર ખાતા દ્વારા શહેરમાં રોડના પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ પેચવર્કની કામગીરીમાં કોન્ટ્રાક્ટરોએ બેદરકારી દાખવી અને ગમે તેમ કામગીરી પૂર્ણ કરી દીધી છે.

(તસવીરઃ પ્રતિકાત્મક છે)