Site icon Revoi.in

રાજકોટના નવનિયુક્ત કલેકટરે હિરાસર એરપોર્ટની કામગીરીની સમીક્ષા કરી

Social Share

રાજકોટ : રાજકોટના નવનિયુકત કલેક્ટર પ્રભવ જોષીએ રાજકોટ પાસે હીરાસર ખાતે નિર્માણધિન આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગીરીની સમીક્ષાર્થે સ્થળ વિઝીટ કરી સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

એરપોર્ટ ડાયરેક્ટર લોકનાથ પાધે એ પ્રેઝન્ટેશન દ્વારા કામગીરીની માહિતી પૂરી પાડતા જણાવ્યું હતું કે, એરપોર્ટને કાર્યરત કરવા માટે જરૂરી કામગીરી અંતિમ ચરણમાં છે. કન્સ્ટ્રક્શન કામગીરી મોટાભાગની પૂર્ણતાના હારે છે. ૩૦૪૦ x ૪૫ મી. રનવે, એપ્રોન, ટેક્સી વે, બોક્સ કલવર્ટ, આઇસોલેશન બે, ફાયર સ્ટેશન સહિતની કામગીરી સો ટકા પૂર્ણ થઈ ચૂકી છે આ સાથે એ.જી.એલ સબ સ્ટેશન સો ટકા, ગ્રેડિંગ સો ટકા, ઇન્ટર્નલ એપ્રોચ રોડ પૂર્ણ થઈ ગયેલ છે. ઇન્ટ્રીમ ટર્મિનલ બિલ્ડીંગ ૯૫ ટકા પૂર્ણ થયેલ છે. પવન ચક્કીઓ સાત પૈકી ૬ શિફ્ટ થઈ ગયેલ છે. મેઇન એપ્રોચ રોડ પૂર્ણતાના આરે છે. એપ્રોચ રોડ પર પ્લાન્ટેશન કરવામા આવ્યું છે.

વિશેષ માહિતી આપતા લોકનાથ પાધેએ જણાવ્યું હતું કે રનવે ફ્રિકશન ટેસ્ટ પૂર્ણ કરાયું છે. રનવે લાઇટ્સ, સાઈનેજ, આનુસંગિક કામગીરી પૂર્ણ કરી દેવામાં આવ્યા છે કન્સ્ટ્રક્શન સિવાય આનુસંગિક કામગીરીઓમાં જરૂરી સાધનો ફાયર્ ફાઈટર વ્હીકલ ,એમ્બ્યુલન્સ, મેન પાવર સીઆઇએસએફ રાજકોટ એરપોર્ટ ખાતેથી શિફ્ટ કરાશે. જરૂરી ફર્નિચર માટેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે.

નેશનલ હાઈવેથી એરપોર્ટને જોડતા ઓવર બ્રિજ, રોડ, પાણી પુરવઠો, ગ્રામજનોના સ્થળાંતર તેમજ બાઉન્ડ્રી વોલને લગતા પ્રશ્નોની વહીવટી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા આ તકે કલેક્ટર પ્રભવ જોશીએ ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરતા જણાવ્યું હતું.

આ સાથે હીરાસર એરપોર્ટ આવવા માટે રાજકોટ તેમજ સુરેન્દ્રનગર થી બસની વ્યવસ્થા, પોલીસ ચોકી સહિતની કામગીરી બાબત સંબંધિત વિભાગને સૂચિત કરવા કલેક્ટર દ્વારા જણાવ્યું છે.

બેઠક બાદ કલેક્ટરએ હીરાસર એરપોર્ટના વિવિધ સ્થળોની કામગીરીની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી.આ તકે પ્રાંત અધિકારી, પાણી પુરવઠા, પી.જી.વી.સી.એલ, ગ્રામ પંચાયત કન્સ્ટ્રક્શન કંપનીના અધિકારીઓ સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.