Site icon Revoi.in

કેનેડામાં ભારતીય ભાષાઓ બોલતા લોકોની સંખ્યા ઝડપથી વધી

Social Share

નવી દિલ્હીઃ કેનેડામાં ભારતીય ભાષાઓ બોલતા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. સ્ટેટિસ્ટિક્સ કેનેડાએ જાહેર કરાયેલા આંકડાઓમાં ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, પંજાબી કેનેડામાં ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે. આ સિવાય દેશમાં હિન્દી, મલયાલમ સહિતની ઘણી ભાષાઓ બોલનારાઓની સંખ્યા પણ ઝડપથી વધી છે. આંકડા દર્શાવે છે કે, કેનેડામાં પંજાબી ભાષામાં છેલ્લા 5 વર્ષમાં 49 ટકાનો વધારો જોવા મળ્યો છે.

કેનાડાની બે સત્તાવાર ભાષાઓ એટલે કે અંગ્રેજી અને ફ્રેન્ચ પછી મેન્ડરિન અને પંજાબી સૌથી વધુ બોલાય છે. અહીં લગભગ 5.3 લાખ લોકો મેન્ડરિનનો ઉપયોગ કરે છે. જ્યારે 5.2 લાખ લોકો પંજાબી ભાષા બોલનારા છે.

આંકડાની દૃષ્ટિએ પંજાબી ભલે ચોથા સ્થાને હોય, પરંતુ 2016 અને 2021ની વચ્ચે જ્યાં મેન્ડરિનનો વિકાસ 15 ટકાના દરે થયો છે. જ્યારે પંજાબી ભાષાના કિસ્સામાં આ સંખ્યા 49 ટકા છે. દરમિયાન કેનેડાની વસ્તીમાં 5.2 ટકાનો વધારો થયો છે.

આ વૃદ્ધિમાં ઇમિગ્રેશનની મોટી ભૂમિકા હતી. ઘરોમાં દક્ષિણ એશિયાઈ ભાષા બોલનારની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આંકડા દર્શાવે છે કે, મલયાલમ બોલનારાઓમાં 129 ટકા, હિન્દીમાં 66 ટકા, પંજાબી 49 ટકા અને ગુજરાતીમાં 43 ટકાનો વધારો નોંધાયો છે. કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન પણ કેનેડામાં સ્થળાંતર કરનારાઓનો ઉત્સાહ અકબંધ રહ્યો હતો.