Site icon Revoi.in

સુરત એરપોર્ટ પર ગત વર્ષ કરતાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 23 ટકાનો ઘટાડો નોંધાયો

Social Share

સુરતઃ મેગાસિટી ગણાતા સુરત એ સમૃદ્ધ શહેર ગણાય છે. શહેરના એરપોર્ટ પર ડોમેસ્ટિક પ્રવાસીઓની સંખ્યા વધુ રહેતી હોવાથી દેશના મોટાભાગના મહાનગરો સાથે એક કનેક્ટીવીટીથી જોડાયેલું છે. પ્રવાસીઓથી ધમધમતા રહેતા એરપોર્ટ પર આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ-2021ની સરખામણીમાં 2022માં પેસેન્જરોની સંખ્યામાં 23 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ માટે સુરત એરપોર્ટ ઉપર ટર્મિનલ બિલ્ડિંગ સહિતનો અન્ય પ્રોજેક્ટનું અધૂરુ કામ, એરલાઇન્સ કંપનીઓની આંતરીક સમસ્યાને જવાબદાર ગણવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2022માં સુરત એરપોર્ટ ઉપરથી નવેમ્બર મહિના સુધી અંદાજીત 10.83 લાખ લોકોએ મુસાફરી કરી હતી. મળતી માહિતી અનુસાર સુરત એરપોર્ટ ઉપર નવેમ્બર મહિનામાં શિડયુલ ડોમેસ્ટીક ફ્લાઇટમાંથી 94008 લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મારફતે 2470 લોકોએ મુસાફરી કરી હતી. વર્ષ-2022માં 11 મહિનામાં સુરત-શારજાહ વચ્ચે 25487 લોકોએ મુસાફરી કરી હતી.  સુરત એરપોર્ટ ઉપરથી 10.83 લાખ લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે વર્ષ-2021માં નવેમ્બર મહિનામાં સુરત એરપોર્ટ ઉપરથી 1,23,346 લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે ચાલુ વર્ષે માત્ર 94,008 લોકોએ જ મુસાફરી કરી છે. એટલે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મુસાફરોની સંખ્યામાં 23.8 ટકાનો ઘટાડો નોંધાયો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરત એરપોર્ટ ઉપર હાલમાં ટર્મિનલ બિલ્ડિંગ, પેરેલલ ટેક્સી ટ્રેક, નોટમ તેમજ અન્ય સમસ્યાને કારણે ઘણીબધી ફ્લાઇટ ઓછી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત એરલાઇન્સ કંપનીઓના પણ પોતાના કેટલાક પ્રોબ્લેમ હોવાને કારણે તેઓએ ફ્લાઇટ ઓછી કરી નાંખી છે. પરંતુ આગામી 2023માં સુરત એરપોર્ટ ઉપર ટર્મિનલ બિલ્ડિંગનું કામ પુરુ થઇ ગયા બાદ વધુ ફ્લાઇટ આવે તેવી શક્યતા છે. સુરત એરપોર્ટ દ્વારા આ વર્ષે નવેમ્બરમાં પેસેન્જર ટ્રાફિકનો ડેટા પણ જારી કરવામાં આવ્યો છે. નવેમ્બરમાં સુરત એરપોર્ટથી કુલ 94008 ડોમેસ્ટિક પેસેન્જરે અવરજવર કરી હતી. આ સિવાય 2470 ઇન્ટરનેશનલ પેસેન્જર આવ્યા. ગત વર્ષે નવેમ્બરમાં કુલ123346 મુસાફરોએ મુસાફરી કરી હતી. ગત વર્ષે જ્યાં કુલ 23 શિડ્યુલ ફ્લાઇટ હતી ત્યાં આ વર્ષે નવેમ્બરમાં માત્ર 12 શિડ્યુલ ફ્લાઇટ રહી ગઇ છે. જેમાં ગત વર્ષ નવેમ્બર કરતાં આ વર્ષના નવેમ્બરમાં 25 હજાર મુસાફરોમાં ઘટાડો નોંધાયો છે.