Site icon Revoi.in

અમીરોના કર્મોની કિંમત ગરીબોએ ચૂકવવી પડે છે, પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની આકરી ટીપ્પણી

Social Share

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં ગંભીર વાયુ પ્રદૂષણ સંબંધિત એક કેસ ફરી એકવાર સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આ મામલે એમિકસ ક્યુરી અપરાજિતા સિન્હાએ કોર્ટને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારો કોર્ટના નિર્દેશોનું ત્યાં સુધી સંપૂર્ણ પાલન કરતી નથી, જ્યાં સુધી કોર્ટ કડકાઈથી તેમને લાગુ કરવાનો આદેશ ન આપે. એક ઉદાહરણ આપતાં તેમણે કોર્ટને જણાવ્યું કે, પ્રદૂષણનું સ્તર ગંભીર હોવા છતાં કેટલીક શાળાઓએ તેમના સ્પોર્ટ્સ પ્રોગ્રામ ચાલુ રાખ્યા હતા. આ દર્શાવે છે કે પ્રોટોકોલ અને નિર્દેશો હોવા છતાં, જમીની સ્તરે તેમનો સખત અમલ કરવામાં આવતો નથી.

એમિકસ ક્યુરીના જવાબમાં મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તે કહ્યું કે, “અમે સમસ્યાને જાણીએ છીએ અને ચાલો આપણે એવા આદેશો પસાર કરીએ જેનું પાલન થઈ શકે. કેટલાક નિર્દેશો એવા છે, જેને જબરદસ્તીથી લાગુ કરી શકાતા નથી. આ શહેરી મહાનગરોમાં લોકોની પોતાની જીવનશૈલી છે, પરંતુ ગરીબ મજૂરો સૌથી વધુ પીડિત છે.” CJIએ એક મહત્ત્વપૂર્ણ વાત સ્વીકારતાં કહ્યું કે, “અમે ફક્ત અસરકારક આદેશો જ પસાર કરીશું, કેટલાક નિર્દેશો એવા છે જેને અમલમાં મૂકી શકાતા નથી.” CJIએ દલીલ કરી કે લાખો લોકોની જીવનશૈલી અને આજીવિકાને અવગણીને આદેશ આપી શકાય નહીં. ઉદાહરણ તરીકે, વાહન ચલાવવાનું બંધ કરવું અથવા તમામ નિર્માણ કાર્ય રોકવું વ્યવહારિક ન હોઈ શકે.

CJI અને એમિકસ ક્યુરી બંનેએ આ વાત પર ભાર મૂક્યો કે વાયુ પ્રદૂષણની સૌથી વધુ ખરાબ અસર ગરીબ મજૂર વર્ગ પર પડે છે, જેઓ બહાર ખુલ્લામાં કામ કરે છે અને ઘણીવાર મોંઘા સુરક્ષા ઉપકરણો (જેમ કે એર પ્યુરિફાયર કે N95 માસ્ક) ખરીદી શકતા નથી. CJIએ કડક શબ્દોમાં કહ્યું કે, “ધનિક વર્ગ પોતાની જીવનશૈલી (જેમ કે કારનો ઉપયોગ, એસીનો વપરાશ) બદલવા તૈયાર નથી, જેનાથી પ્રદૂષણ થાય છે, પરંતુ તેની કિંમત ગરીબોએ ચૂકવવી પડે છે. આ પર્યાવરણીય ન્યાયનો એક મુદ્દો છે.” CJIએ તમામ પક્ષકારોને નિર્દેશ આપ્યો કે એકવાર એમિકસ નિયુક્ત થઈ જાય, પછી પોતાના સૂચનો વગેરે એમિકસ ક્યુરીને મોકલે, નહી કે પ્રેસ અને મીડિયાને. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ મામલો બુધવારે ત્રણ ન્યાયાધીશોની બેંચ સમક્ષ આવશે અને તેના પર સુનાવણી થશે.

Exit mobile version