Site icon Revoi.in

અમદાવાદમાં વરસાદને લીધે તૂટી ગયેલા રોડની મરામત કામગીરી નવરાત્રી પહેલા પૂર્ણ કરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન સારોએવો વરસાદ પડતા ઠેર-ઠેર રસ્તાઓ ધોવાઈ ગયા છે. ઘણાબધા રસ્તાઓ પર ઊંડા ખાડાઓ પડી ગયા છે. અને રોડ પરની કપચી ઉખડી ગઈ છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પર ખાડાં અને રોડ તૂટી જવાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નવરાત્રી સુધીમાં રોડ મરામતનું કામ પૂર્ણ કરી દેવાનો મ્યુનિ,કમિશનરે આદેશ કર્યો છે. તેથી સંબંધિત વિભાગના મ્યુનિ. અધિકારીઓ દ્વારા રોડ રસ્તાને રીપેર કરવા માટે થઈ તમામ ઝોનમાં રોજના બે-બે પેવર મશીન ચલાવવા માટેની સૂચના આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 2000 મેટ્રિક ટનના હોટ મિક્સ પ્લાન્ટને આજકાલમાં શરૂ કરી દેવાશે, જેના કારણે ઝડપથી રોડને રીપેર કરવાની કામગીરી શરૂ કરી શકાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મહત્વના રોડ પર ખાડાં પડ્યા છે, તેને પુરવાની કામગીરી ચાલી રહી છે. દિવસ દરમિયાન રોડ પર ટ્રાફિક વધુ રહેતો હોવાથી મોડી રાતથી સવાર સુધી કામગીરી કરવામાં આવી રહી છે. તમામ ઝોનમાં રોજના બે-બે પેવર મશીન મુકવામાં આવ્યા છે. વીવીઆઈપી ગણાતા રોડનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

એએમસીના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના ચેરમેને જણાવ્યું હતું કે, શહેરમાં ચોમાસામાં તૂટેલા રોડ રીપેર કરવા, પેચવર્ક કરવા માટે જેટ પેચર ચલાવવામાં આવી રહ્યા છે. નવરાત્રિ અને દિવાળીના તહેવારો સુધીમાં શહેરમાં તમામ ઝોનમાં રોડ રીસરફેસ અને નવા રોડ બનાવવાની કામગીરી પૂરી કરવામાં આવશે. ખોખરા બ્રિજ નજીક ફક્ત 150 મીટરના રસ્તાની કામગીરી બાકી છે. AMC દ્વારા છેલ્લાં 6 મહિનામાં 100 જેટલા રોડ તૈયાર કરવામાં આવ્યા છે અને ડીફેક્ટ લાયેબિલિટી હેઠળનો એક પણ રોડ તૂટ્યો ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શહેરમાં લીગલ અવરોધો કે મુશ્કેલી સર્જાઈ હોય તેવા જ રોડ-રસ્તા બાકી છે અને તે સિવાયના મોટાભાગના રોડ, IP રોડના કામો પૂરા કરાયા છે અને કેટલાંક રોડના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.