Site icon Revoi.in

ધોલેરા-ભાવનગર હાઈવે પરના ટૂંકા નાળાને કારણે અનેક ગામો અને ખેતરોમાં પાણી ફરી વળશે

Social Share

અમદાવાદઃ ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટમાં  ધોલેરાથી ભાવનગરના અધેલાઈ સુધી નદી અને ખાડી પર બનાવેલા બ્રિજ તંત્રનું અણઘડ આયોજન હોય તેમ નદીના પટ કરતાં પહોળાઈ ઓછી અને ઊંચાઈ વધુ રાખવાને કારણે ચોમાસામાં વરસાદી પાણી  ભરાશે, જેને કારણે પાણી પાછું મારતાં  વલભીપુર તાલુકાના 21થી વધુ ગામોમાં અને ખેતરોમાં પાણી ઘૂસી જવાની પૂરી શકયતા વર્તાઈ રહી છે. આ અંગે  પગલાં નહીં લેવાય તો મોટી જાન અને માલહાનિ થવાની પણ ભીતિ છે. તદુપરાંત બ્રિજની સામે જ મીઠાના પાળા પણ હોવાથી ત્યાં પણ પાણી અવરોધાશે. બંને તરફથી પાણીનો અવરોધ ઉભો થતાં આગામી દિવસોમાં મોટી હોનારતની પણ શક્યતાને નકારી શકાય નહીં.

ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર વેગડ, માલેશ્રી અને કાળુભાર નદી તેમજ ત્રણ જેટલી ખાડી પર તાજેતરમાં પુલ બનાવવામાં આવ્યા છે, જેનું કામ થોડા સમય પહેલાં જ પૂર્ણ થયું છે. પરંતુ નદી અને ખાડીના પટ કરતા આ બ્રિજ ઓછી પહોળાઈના ડિઝાઇન કરવામાં આવ્યા છે. સામાન્યતઃ પટના એક છેડાથી બીજા છેડા સુધી બ્રિજ બનાવવામાં આવતા હોય છે. જેથી બ્રિજ નીચેથી સરળતાથી પાણી પસાર થઈ શકે. પરંતુ શોર્ટ રૂટ પર સાંકડા બ્રિજને કારણે ચોમાસામાં નદીના પ્રવાહ વધતા પાણી અવરોધાવાની પુરી શક્યતા રહે છે. ભારે વરસાદને કારણે નદીમાંથી ધસમસતા આવતા પાણી બ્રિજમાં અવરોધાવાને કારણે પાણીનું લેવલ ઉંચું જશે અને તે પાણી પાછું મારતા આસપાસના ગામોમાં તેમજ ખેતરોમાં પાણી ફરી વળશે.

જ્યારે નદીના વહેણ તેમજ ખુલ્લા પટમાં બનાવેલા મીઠાના અગરને કારણે પણ પાણી અવરોધાવાની પુરી સંભાવના છે. અગાઉ મીઠાના અગરને કારણે વરસાદી પાણી ગામો અને ખેતરોમાં પાણી ઘુસી ગયા હતા અને ગ્રામજનોને મોટુ નુકસાન થયું હતુ. નિવૃત્ત અધિકારી એન.ડી. ભટ્ટે જણાવ્યું કે, ભાલ પંથકમાં નાની મોટી 27 જેટલી નદીઓના પાણીના વહેણ આવતા હોય છે. દરિયામાં મોટી ભરતી સમયે અને ચોમાસામાં ભારે વરસાદમાં આવતા પાણીના લેવલ તેમજ તેના અવરોધો અને ફેલાવો સહિતના હાઇડ્રોલિક સર્વે જરૂરી છે. જેથી વોટર લોગીંગ જાણી શકાય. પૂર્વ સરપંચ કાળાતળાવ સાર્દુળભાઈ ચુડાસમાએ કહ્યું કાળુભાર, માલેશ્રી, ઘેલો સહિતની નદીઓના વહેણ આડે મીઠાના અગરનો અવરોધ ઉભો થતાં આસપાસના ગામોમાં ચોમાસામાં પાણી ઘૂસી જાય છે. ચોમાસામાં જો ભારે વરસાદ આવશે તો અનેક ગામોના ગામો ડૂબી જવાની પણ પૂરી શક્યતા છે. વારંવાર રજૂઆત છતાં કોઈ સાંભળતું નથી.