દહેરાદૂન – ઉત્તરાખંડ ટનલ માં ફસાયેલા 41 કામદારોને 17 દિવસની મેહનત બાદ વિતેલા દિવસે સુરક્ષિત રૂટે બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે હવે રાજ્યની સરકારે આ તમામ કામદારો માટે રૂપિયા 1 -0 1 લાખ ની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મંગળવારે કહ્યું કે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ કામદારોને રાજ્ય સરકાર 1-1 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે.
સુરંગમાં 16 દિવસથી ફસાયેલા તમામ 41 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના સફળ ઓપરેશન બાદ સિલ્કિયારામાં મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે આ અંગે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ સિવાય કામદારો તેમના ઘરે ન જાય ત્યાં સુધી હોસ્પિટલમાં સારવારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે.
આ બાબતને લઈને મુખ્ય મંત્રી ધામીએ કહ્યું કે સુરંગમાંથી બહાર કાઢ્યા બાદ તમામ કામદારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલની સારવાર પર થનાર ખર્ચ પણ સરકાર ઉઠાવશે.
વધુમાં તેમણે કહ્યું કે કામદારો ઉપરાંત સરકાર તેમના પરિવારો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરી રહી છે. મુખ્ય પ્રધાને બચાવ કામગીરીની સફળતા માટે સ્થાનિક દેવતા બાબા બોખનાગની કૃપાને પણ શ્રેય આપ્યો અને કહ્યું કે સિલ્ક્યારામાં તેમનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે બાબા બોખનાગના આશીર્વાદથી તમામ કામદારો સુરક્ષિત બહાર આવી ગયા છે. વધુમાં ધામીએ કહ્યું કે ગ્રામજનોએ બાબા બોખનાગનું મંદિર બનાવવાની માંગ ઉઠાવી છે, જેને સરકાર પૂરી કરશે.

