Site icon Revoi.in

ગુજરાતમાં G-20ની એક ડઝન બેઠકો માટે રાજ્ય સરકાર રૂપિયા એક અબજનો ખર્ચ કરશે

Social Share

ગાંધીનગરઃ જી-20નું યજમાનપદ ભારતને મળ્યા બાદ તેના ભાગરૂપે ગુજરાતમાં પણ મહત્વની બેઠકો યોજાઇ રહી છે. ગુજરાતમાં જી-20 બેઠકોના આયોજન અને મહેમાનોના સત્કાર, રહેઠાણ, ભોજન સહિતની વ્યવસ્થા પાછળ રાજ્ય સરકાર દ્વારા 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ માટે બજેટમાં આ રકમની ફાળવણી કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  દેશમાં વિવિધ સ્થળોએ જી-20ની કુલ બેઠકો પૈકી ગુજરાતમાં 15 જેટલી બેઠકો યોજાશે.  જેમાં અત્યાર સુધીમાં ત્રણ બેઠકો ગાંધીનગર, અમદાવાદ અને કચ્છના ધોરડો ખાતે યોજાઇ ગઇ છે. હજુ ચાલુ વર્ષ દરમિયાન 12 જેટલી બેઠકો યોજાશે. જેમાં વિવિધ 7 જેટલા સ્થળોએ યોજાનારી આ બેઠકોમાં આમંત્રિતોના પ્રોટોકોલ મુજબની વ્યવસ્થા, આયોજન અને આતિથ્ય સત્કાર માટે ગુજરાત સરકાર દ્વારા છૂટથી ખર્ચ કરવામાં આવશે. આ ખર્ચ ઉદ્યોગ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવશે. ગુજરાતની ઓળખ સમી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ છેલ્લા 4 વર્ષથી યોજી શકાઇ નથી. કોરોનાને કારણે 2021ની વાયબ્રન્ટ સમિટ રદ થયા બાદ 2022 અને 23માં પણ આયોજન થઇ શક્યું નથી. હવે વર્ષ 2024માં સમિટ થશે કે નહીં તેની ખાતરી નથી, તેથી સરકારે હાલ નામ પૂરતી માત્ર એક કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જી-20ની જ્યાં બેઠકો યોજાવાની છે.અને વિદેશી મહેમાનો આવવાના છે તેવા સ્થળોને સુશોભિત કરવામાં આવી રહ્યા છે. વિદેશી મહેમાનોની સુરક્ષા માટે પોલીસના અધિકારીઓને પણ ખાસ તાલીમ આપવામાં આવી છે. ઉપરાંત ખાસ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. એટલું જ નહીં જે તે વિસ્તારની યાદગીરી રહે તે માટે વિદેશી મહેમાનોને ભેદસોગાદ પણ આપવામાં આવે છે, આમ જી-20ની બેઠકના આયોજન માટે અને મહેમાનોની આગતા-સ્વાગતા કરવા માટે ગુજરાત સરકા 100 કરોડનો ખર્ચ કરશે.