Site icon Revoi.in

ગુજરાત હાઈકોર્ટમાં નવનિયુક્ત ન્યાયધીશનો શપથગ્રહણ સમારોહ યોજાયો

Social Share

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશ વિમલ વ્યાસનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલે નવનિયુક્ત ન્યાયાધીશ વિમલ વ્યાસને શપથ લેવડાવ્યા હતા. આ તકે કાયદામંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ શપથગ્રહણ સમારોહમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તથા હાઈકોર્ટના જજીસ, વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ અને નવનિયુક્ત ન્યાયાધીશના પરિજનો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે વિવિધ હાઈકોર્ટના ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે 13 ન્યાયિક અધિકારીઓના નામની ભલામણ કરી છે. સર્વોચ્ચ અદાલતની કોલેજિયમે ન્યાયિક અધિકારી વિમલ કનૈયાલાલ વ્યાસને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે બહાલી આપી છે. કોલેજિયમે દિલ્હી કોર્ટકોર્ટના ન્યાયાધિશો તરીકે ન્યાયિક અધિકારીઓ શાલિન્દર કૌર અને રવિન્દર દુડેજાની નિમણૂકની ભલામણ કરી હતી, જ્યારે તેમનાથી વરિષ્ઠ ન્યાયિક અધિકારીનો નામની ભલામણ કરવાનો ઇનકાર કર્યો હતો. કોલેજિયમે કેરળ હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક માટે પાંચ ન્યાયિક અધિકારીઓના નામની ભલામણ કરી હતી. તેમાં એમ બી સ્નેહલતા, જોન્સન જોન, જી ગીરીશ, સી પ્રતીપકુમાર અને પી કૃષ્ણ કુમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અભય જૈનનારાયણજી મંત્રી, શ્યામ છગનલાલ ચાંડક અને નીરજ પ્રદીપ ધોટેને બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી માટે પણ ભલામણ કરી હતી.