Site icon Revoi.in

સુરતથી બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન 2026માં પૂર્ણ કરાશેઃ દર્શના જરદોશ

Social Share

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે. વડાપ્રધાનનો આ ડ્રીમ પ્રોજેક્ટ હોવાથી તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન વડોદરાની મુલાકાતે આવેલા રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશએ જણાવ્યું હતું કે, સુરતથી બીલીમોરા વચ્ચે વર્ષ 2026માં ટ્રાયર રન પૂર્ણ કરી દેવાશે.

રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશએ આજે  વડોદરામાં યોજાયેલા રોજગાર મેળામાં રેલવેના નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સુરતથી બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન વર્ષ- 2026 સુધીમાં પૂરો કરાશે. બુલેટ ટ્રેન માટે જે અડચણો આવી રહી હતી, તે હવે દૂર થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં સરકાર બદલાતા હવે તમામ અડચણો દૂર થઈ ગઈ છે અને મોદી સરકાર આવ્યા બાદ રેલવેમાં વિકાસની ગતિ વધી છે. અગાઉ રેલવેનો વિકાસ રૂંધાયો હતો.

રેલવે રાજ્યમંત્રીએ વધુમાં  જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ત્રીજા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં આજે 71 હજાર નવયુવાનોને નોકરી માટેના નિમણૂક પત્રો મળ્યા છે. વડોદરામાં 341 યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. જેમાં 304 જેટલા રેલવેના, 30 જેટલા પોસ્ટના, 3 બેંકના અને 12 જેટલા એન્જિયરિંગ સેક્ટરના છે. વડાપ્રધાને જે સંકલ્પ કર્યો છે કે, આઝાદીના અમૃતકાળમાં યુવાનોને નિમણૂક પત્રો આપીને નવા ભારતનું નિર્માણ કરવાનું છે. 100 વર્ષ પછીનું ભારત કેવું હોય, તેના નવનિર્માણમાં આ યુવાનોનું યોગદાન મહત્વનું રહેવાનું છે.

રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશએ ઉમેર્યું હતું કે, દેશભરમાં 75 જેટલા  રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ. જેને સીટી સેન્ટર તરીકે ડેવલપ કરાશે. જેમાં લિફ્ટ હોય, સોલાર પેનલ હોય, સ્ટેશનથી બસ અને મેટ્રો કનેક્ટિવીટી મળે તેવા સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે. વન સ્ટેશન વન પ્રોડક્ટ 750 રેલવે સ્ટેશનો પર બહેનોને જોડીને હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓના સ્ટોલ અપાયા છે. એક સ્ટોલનો ખર્ચ 6 લાખ જેટલો થાય છે, પરંતુ બહેનોને આ સ્ટોલ વિનામૂલ્યે આપવામાં આવે છે. 15 દિવસ પછી નવા લોકોને તેમાં તક આપવામાં આવે છે. એટલે અનેક લોકોને જોડવાનું સારું કામ થયું છે. આ ઉપરાંત પોસ્ટના પાર્સલો રેલવે દ્વારા લઈ જવામાં આવે. એટલે ઇકો સિસ્ટમના માધ્યમથી એકબીજા ડિપાર્ટમેન્ટના સહયોગથી કામ થઈ રહ્યું છે.

Exit mobile version