Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રનો આજથી પ્રારંભ, કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારીનો પ્રશ્ન ઉઠાવશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટુંકા ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થશે. કોંગ્રસે દ્વારા સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણી પહેલાનું આ આખરી સત્ર હોવાથી વિપક્ષના ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નોની રજુઆત માટે આક્રમક બનશે. ભાજપના મંત્રીઓએ પણ વિપક્ષના પ્રશ્નોનો જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ કરી દીધી છે. દરમિયાન સરકાર દ્વારા બે દિવસીય સત્રમાં કેટલાક બીલોને મંજુરી આપવામાં આવશે. તેમજ રખડતા પશુઓ માટે ગત સત્રમાં સરકારે જે બીલને મંજુરી આપી હતી. તેને પરત ખેંચવામાં આવશે.

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે તા. 21મીથી પ્રારંભ થઈ રહ્યો છે. પાટનગર ગાંધીનગરમાં હાલ રાજ્ય સરકારના કર્મચારીઓ, વિવિધ સંગઠનો, અને ખેડુતો, આંદોલનો કરી રહ્યા છે. ત્યારે વિધાનસભા  ફરતે જડબેસલાક બંદોબસ્ત મંગળવાર સાંજથી ગોઠવી દેવામાં આવ્યો છે. વિધાનસભાનું બે દિવસીય સત્ર તોફાની ભર્યું રહે તેવી શક્યતા છે. દરમિયાન વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકારે તેની જે નિષ્ફળતાઓ છે તેને છુપાવવા માટે વિધાનસભાનું ટુંકુ સત્ર બોલાવીને પ્રજાના પ્રશ્નો ચર્ચાય નહી તેવો કારસો કર્યો છે. પરંતુ કોંગ્રેસ પક્ષ આ મુદે સરકારને ભીંસમાં મુકશે અને રાજયને ડ્રગનું પાટનગર બનાવી દેવાથી લઈને લઠ્ઠાકાંડ અને દારુના ખુલ્લેઆમ વેચાણ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સહિતના મુદે સરકારને ઘેરશે.

ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભ પહેલા ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે. જેમાં ધારાસભ્યોને બે દિવસની કામગીરી અંગે માહિતી અપાશે. આ બેઠકમાં મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિત આગેવાનો હાજર રહેશે. વિધાનસભા ગૃહમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદાને પરત ખેંચવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ થઈ રહ્યો હતો. થોડા દિવસ પહેલાં માલધારીઓએ રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો ભારે વિરોધ કર્યો હતો. ત્યાર બાદ હવે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રખડતા ઢોર નિયંત્રણનું બિલ પરત મોકલ્યું છે. આગામી દિવસોમાં મળનારા વિધાનસભા સત્રમાં આ બિલને પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જુદા જુદા કર્મચારી સંગઠનો પડતર માગણીઓ પૂરી કરાવવા સરકાર સામે મેદાને પડ્યા છે. ગાંધીનગર આંદોલનની છાવણીમાં ફેરવાઈ ગયું છે.ચૂંટણી પહેલા રાજ્યમાં સરકારી કર્મચારીઓમાં આંદોલનની સીઝન જામી છે. એક બાદ એક સરકારી વિભાગોના કર્મચારીઓ પડતર માગણીઓ સાથે સરકાર સામે મોરચો માંડી રહ્યા છે .મહેસૂલ કર્મીઓ, વનરક્ષકો, વીસીઈ, શિક્ષકો અને માજી સૈનિકો સહિતના વર્તમાન અને પૂર્વ કર્મીઓએ ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે. આંદોલનનો રેલો સચિવાલય સુધી પહોંચી જતાં હવે સૌની નજરો સરકાર તરફ મંડાઈ છે.