Site icon Revoi.in

કોરોના સામે રસીના બંને ડોઝ લેનારાઓમાં વેક્સિનની અસરકારકતા 99.3 ટકા હોવાનો દાવો

Social Share

નવી દિલ્હીઃ કોરોનાના કેસમાં હવે ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ રસીકરણ ઝુંબેશ વધારે તેજ બનાવવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 166 કરોડથી વધારે કોરોનાના ડોઝ અપાયાં છે. દરમિયાન કોવિડ-19ના રસીના બંને ડોઝ લેનારાઓમાં કોરોના સામે રસીકરણની અસરકારકતા 99.3 ટકા હોવાનો આરોગ્ય મંત્રીએ દાવો કર્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચએ કોવિન, નેશનલ કોવિડ-19 ડેટાબેઝ અને કોવિડ-19 ઈન્ડિયા પૉર્ટલને મર્જ કરી ઈન્ડિયા કોવિડ-19 ટ્રેકર વિકસાવ્યું છે. આ ટ્રેકર કોરોનાને કારણે થતાં મૃત્યુ વિરુદ્ધ વૅક્સિનની અસરકારકતા દર્શાવે છે. આ ટ્રેકર કોરોનાના આંશિક અને ફુલ વૅક્સિનેશનની અસરકારકતા દર્શાવે છે. 2 જાન્યુઆરી, 2022 સુધીના અપલૉડ કરવામાં આવેલા ડેટા મુજબ બંને ડૉઝ લેનાર વ્યક્તિમાં વૅક્સિનની અસરકારકતા 99.3 ટકા જોવા મળી હતી. સંબંધિત રાજ્ય સરકારો દ્વારા સુપરત કરવામાં આવેલા અહેવાલને આધારે ડેટાનું પૃથક્કરણ અને રજૂઆત કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. 15થી 18 વર્ષના કિશોરોને કોવિડની રસી આપવામાં આવી રહી છે. એટલું જ નહીં કોરોના વોરિયર્સ, આરોગ્ય કર્મચારીઓ તથા વિવિધ બીમારીથી પીડિતા 60 વર્ષથી વધુની સિનિયર વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 165 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે.