Site icon Revoi.in

નર્મદા ડેમમાં જળસપાટી પ્રથમવાર 138.27 મીટર પહોંચી, નદીમાં પાણી છોડાયું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત સપાટી વધી રહી છે. જો કે, આ વખતે પ્રથમવાર ડેમની સપાટી 138.27 મીટર ઉપર પહોંચી છે. જ્યારે દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઉકાઈ ડેમમાં પણ નવા પાણીની સતત આવક થઈ છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ફરી ઓવરફ્લો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 138.27 મીટરની નોંધાઇ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જેથી મહત્તમ સપાટીથી નર્મદા ડેમ 41 સેન્ટિમીટર દૂર રહ્યો છે.

ડેમમાં હાલ પાણીની આવક 3 લાખ 18 હજાર 85 ક્યુસેક છે. ડેમના બે દરવાજા મારફતે 5,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. રીવરબેડ પાવરહાઉસમાંથી 42 હજાર 766 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં જાવક 17 હજાર 414 ક્યુસેક થતાં હવે ડેમમાંથી કુલ જાવક – 64 હજાર 869 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે.

બીજી તરફ દક્ષિણ ગુજરાતના સૌથી મોટા  ઉકાઈ ડેમમાં પણ  ઉપરવાસમાંથી પાણીની આવક નોંધાતા ડેમની સપાટી રુલ લેવલને પાર થઇ ગઇ છે. ડેમનું રુલ લેવલ જાળવી રાખવા તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહયું છે. હાલ ડેમમાં 1 લાખ 67 હજાર 255 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે ડેમમાંથી 97 હજાર 312 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે.

ઉકાઇ ડેમના 8 ગેટ 5 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની સપાટી 340.30 ફૂટ પર પહોંચી ગઇ છે જ્યારે ડેમનું રુલ લેવલ 340 ફૂટ છે અને ડેમની ભયજનક સપાટી 345 ફૂટ જેટલી છે.