Site icon Revoi.in

સરદાર સરોવર ડેમની જળસપાટી 120.46 મીટરે પહોંચી: 76423 ક્યુસેક પાણીની આવક

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના આગમન સાથે જ વરસાદી માહોલ જામ્યો છે એટલું જ નહીં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટી 120.46 મીટરે પહોંચી છે, ઉપરવાસમાં સતત વરસી રહેતા વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં 76423 ક્યુસેક નવા પાણીની આવક થઈ છે.

સરદાર સરોવર ડેમની આસપાસના વિસ્તારમાં ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે, જેથી આ વિસ્તાર વધારે રમણીય બન્યો છે, તેમજ હાલ અનેક પ્રવાસીઓ નર્મદાની મુલાકાતે થઈ રહ્યાં છે. સરદાર સરોવર ડેમની આસપાસ અને ઉપવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે અને એક કલાક દરમિયાન ડેમની જળસપાટીમાં લગભગ 1.75 મીટર જેટલો વધારો થયો છે. હાલ ડેમની જળસપાટી લગભગ 120.46 મીટર સુધી પહોંચી છે અને હજુ ડેમમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે.

રાજ્યના જળાશયોમાં હાલ 42 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 47 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. આવી જ રીતે મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 32 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 34 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયમાં 22 ટકા અને કચ્છના 20 ટકા જળાશયમાં 50 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યમાં હજુ ચોમાસાનો પ્રારંભ થયો છે અને ચોમાસાના સિઝનમાં હજુ ભારે વરસાદ વરસવાની આગાહી છે. જેથી જળાશયોમાં હજુ નવા પાણીની આવક થશે.