Site icon Revoi.in

અમદાવાદના પાલડી અન્ડરબ્રિજનું કામ બાકી હતું, છતાંયે લોકાર્પણ કરી દેવાતા કોંગ્રેસે કર્યો વિરોધ

Social Share

અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે બ્રોજગેજ રેલવે લાઈન પર કરોડો રૂપિયાના ખર્ચે અન્ડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ અન્ડરબ્રિજનું કામ બાકી હોવા છતાંયે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મુખ્યમંત્રીના હસ્તે અન્ડરબ્રિજનું લોકાર્પણ કરી દેવાયું હતુ, ત્યારબાદ અધૂરૂ કામ પુરૂ કરવા માટે અન્ડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દે મ્યુનિ.ની સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે, અધૂરા કામે અંન્ડરબ્રિજનું લોકાર્પણ કરાવીને મુખ્યમંત્રીની ગરીમાને ઠેસ પહોંચાડી છે. આથી પાલડી  અંડરપાસ મુદ્દે એએમસીના સત્તાધિશો દ્વારા જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી સામાન્ય સભા ચાલવા દેવામાં નહીં આવે,

એએમસીની સામાન્ય સભામાં  વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા ‘માફી માંગો, માફી માંગો’ અને ‘ભાજપ હાય હાય’ના નારા લગાવ્યા હતા. વિપક્ષના હોબાળાના પગલે મેયર પ્રતિભા જૈન દ્વારા સામાન્ય સભાને બરખાસ્ત કરી હતી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે રજૂઆત કરી હતી કે, લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આચારસંહિતા લાગૂ થવાના ડરે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા અધૂરા કામોનું ઉતાવળે લોકાર્પણ કરવામાં આવે છે. એએમસી અને મેટ્રો રેલ પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે રૂ. 83 કરોડથી વધુના ખર્ચે પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે અંડરપાસ બનાવવામાં આવ્યો છે. જેનું ગત તા. 4 માર્ચના રોજ મુખ્યમંત્રી પાસે લોકાર્પણ કરાવી દેવાયુ હતુ.  ત્યારબાદ બીજા જ દિવસે અન્ડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. અંડરપાસમાં ટાવર હટાવવાનું, ડિવાઇડર બનાવવાનું અને ડામરના રોડ સહિતની કામગીરી બાકી હોવા છતાં પણ મુખ્યમંત્રીના હસ્તે તેનું લોકાર્પણ કરાવી દેવામાં આવ્યું હતું.

તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોએ મુખ્યમંત્રીની ગરિમા ઓછી કરવા અને જનતાને ભાજપના સત્તાધીશો મૂર્ખ બનાવે છે. પાલડી જલારામ અંડરપાસ મુદ્દે વિપક્ષ દ્વારા ભાજપના સત્તાધીશો માફી માંગે એવી રજૂઆત કરવામાં આવી હતી. વિપક્ષના કોર્પોરેટરો મેયર ડાયસ તરફ ઘસી ગયા હતા પરંતુ, સિક્યુરિટીએ તેઓને દૂર કર્યા હતા. વિપક્ષ દ્વારા ભાજપ માફી માગે એવા નારા લગાવ્યા હતા. વિપક્ષના કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવતા મેયર પ્રતિભા જઈને તમામ કામો મંજૂર કરી અને સામાન્ય સભાને બરખાસ્ત કરી હતી.

 

Exit mobile version