ભાવનગરઃ ચોમાસામાં આમ તો નાના-મોટા તમામ શહેરોમાં રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળતો હોય છે, પણ ભાવનગરમાં તો રખડતા ઢોરોનો ત્રાસ કાયમ રહેતો હોય છે, શહેરના રસ્તાઓ પર હાલમાં રખડતા ઢોરે કબજો જમાવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો અને ગલી ખાંચામાં પણ જ્યાં ને ત્યાં રખડતા ઢોર ને કારણે વાહનચાલકોને ભારે હાડમારી ભોગવવી પડે છે. રખડતા ઢોરના આટલી ગંભીર જટીલ સમસ્યા છતાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઢોરને પકડવાની હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રને પણ ઢોરનો પ્રશ્ન મુંઝવે છે પકડીને મોકલવા ક્યાં ? કોઈ પાંજરાપોળ રખડતા ઢોરને રાખવા તૈયાર નથી. ત્યારે શાસકોએ પાંજરાપોળ સાથે સંકલન સાધવું પણ જરૂરી બન્યું છે.
ભાવનગરમાં આખા શહેરને બાનમાં લીધેલા રખડતા ઢોરના પ્રશ્ને શાસકો તો સતા પર હોવાથી બોલી શકતા નથી. પરંતુ વિરોધ પક્ષ પણ ચૂપકીદી સેવીને તમાશો જોયા કરે છે. રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા ઢોરનો ત્રાસ માત્ર સામાન્ય પ્રજાજનોને જ સતાવી રહ્યો હોય તેવું નથી, પ્રજાએ ચૂંટીને મોકલેલા પ્રજાના પ્રતિનિધિઓને પણ પરેશાન કરી રહ્યો છે છતાં દરેક મૌન ધારણ કરીને બેસી રહ્યા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હાલમાં રખડતા ઢોર ને પકડીને પાંજરાપોળમાં મુકવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.
ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ એજન્સી દ્વારા કામગીરી હાથ ધરે ત્યાં તો ચોમાસાના દિવસો પણ ચાલ્યા જશે. ખરેખર તો રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી અગાઉથી પૂર્ણ કરી જુન મહિનાથી જ પકડવાની કામગીરી શરૂ કરી દેવી પડે. પરંતુ હજુ શરૂ જ નથી થઈ અને ક્યારે શરૂ થશે તે તો તંત્ર પણ જાણતું નથી. શહેરના રસ્તાઓ પર અડીંગો જમાવીને બેઠેલા રેઢીયાળ ઢોરને પકડીને પહેલા ઢોર ડબ્બામાં પૂરતા અને ત્યારબાદ પાંજરાપોળમાં મોકલવામાં આવતા હતા. જે માટે લાખોનો ખર્ચ કરી શહેરના એરપોર્ટ રોડ પર ઢોર ડબ્બો બનાવ્યો હતો. જે પ્લોટ પણ વેચવા કાઢ્યો છે. જ્યારે અખિલેશ સર્કલ પાસે ટેમ્પરરી બનાવેલા ઢોર ડબ્બામાં ગંદકીના ગંજ ખડકાયા છે.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં પશુઓને રજકો નિરવા રજકાનું વેચાણ થતું હોય છે. જેને કારણે આસપાસ ગંદકી ફેલાય છે પરંતુ પશુઓની મારામારી અને રસ્તા પર પશુઓને કારણે અકસ્માતોથાય છે. જેથી રજકાનું વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવા ચેરમેન રાજેશભાઈ પંડ્યા દ્વારા કમિશનરને રજૂઆત કરી છે. ગત ટર્મમાં વારંવાર સભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. પરંતુ આજ સુધી તેનું કોઇ નિરાકરણ આવ્યું નથી.
(Photo-File)