Site icon Revoi.in

ગુજરાતના આ સ્થળો છે ફરવા માટે બેસ્ટ ઓપ્શન

Social Share

ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ છે. ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલા સાપુતારાની ભવ્ય પહાડીઓ આહલાદક છે. વર્ષ દરમિયાન સાપુતારામાં તાપમાનનો પારો કદી 30 ડિગ્રીની ઉપર નથી જતો. અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે. ઉપરાંત અહી પહાડીઓ પરથી સનસેટ અને સનરાઈઝ પોઇન્ટનો લ્હાવો પણ માણી શકાય છે. સાપુતારાથી થોડે દૂર “ગુજરાતનો નાયગ્રા” કહેવાતો ગીરા ધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે. સાપુતારામાં રોકાવા માટે અનેક હોટલો અને ગેસ્ટ હાઉસની સુવિધા છે.

નર્મદા ડેમ અને નદીના સામા કિનારે લગભગ 8 કિમીના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલા ખૂબ જ રમણીય જગ્યા છે. સાતપૂડાની પર્વતમાળામાં આવેલી જગ્યા ચોમાસામાં અદભુત લાગે છે. ચારેબાજુ લીલાંછમ પર્વતો, ખેતરો અને ખળખળ વહેતા ઝરણાં અને નદી મનને તાજગીથી ભરી દે છે. ઝરવાણી ધોધ ભલે ઉંચાઈમાં નાનો છે, પણ તેને જોવા માટે ગોઠણડુબ નદીના પાણીમાં ચાલીને જવુ પડે છે. જે એક સાહસ સાથે રોમાંચની લાગણી આપે છે.

મહેસાણાના સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી 1200 ફિટ ઉંચી ટેકરી આવેલી છે. મુખ્યરૂપે તો તે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ છે. અહીંની પર્વતોની સુંદરતા જોવાલાયક છે. અહી સુંદર જૈન મંદિરો આવેલા છે. કુમારપાળે અહીં ભગવાન અજિતનાથનું સુંદર મંદિર પણ બનાવેલું છે. જૈન લોકો માટે આ સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર છે.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાલ 2018માં દુનિયાની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાનું ઉદ્દઘાટન કરીને દેશને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ભેટ આપી. આજે સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં સેન્ટર ઓફ અટ્રેક્શન બની છે. અહીં હજારોની સંખ્યામાં લોકો આવે છે. જેમાં ભારતના ખૂણે ખૂણેથી આવેલા લોકો નર્મદા જિલ્લાના કેવડીયા ગામની મુલાકાત લે છે. આ પ્રતિમા સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટરના અંતરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી સરદાર સરોવર ડેમ, સાતપુડા તેમજ વિંધ્ય પર્વતની હારમાળા પણ જોઈ શકાય છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની સાથે લેઝર શો, લાઈટ શો, ફ્લાવર વેલી, નૌકા વિહાર, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાઈ ગાર્ડન, એક્તા નર્સરી, જંગલ સફારી, એક્તા મોલ સહિત જોવાલાયક સ્થળો છે.