Site icon Revoi.in

ચૂંટણી ટાણે કોંગ્રેસના ત્રીજા ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું આપ્યુ, હવે ભાજપમાં જોડાશે

Social Share

ગાંધીનગરઃ  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા ભાજપે આજે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ મોટાભાગની બેઠકો પરના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ઉપરાંત કોંગ્રેસે પણ કેટલીક બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બીજી બાજુ દર વખતની જેમ આ વખતે પણ પક્ષપલટાની મોસમ ખીલી ઊઠી છે. કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા. અને ભગા બારડે રાજીનામાં આપ્યા બાદ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો ત્યારબાદ આજે ઝાલોદના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ પણ રાજીનામું આપી દીધુ છે. અને ભાજપમાં જોડાઈ રહ્યા છે.

કોંગ્રેસના  ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ આજે  વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યને રાજીનામું આપ્યું હતુ. અધ્યક્ષે ધારાસભ્યના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. ગુજરાતની સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યાં છે. ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસના  ત્રીજા ધારાસભ્ય છે, જેમણે રાજીનામું આપી દીધું હતું. અને ભાજપમાં જોડાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. ભાજપમાં દિગજ્જોને ટિકિટ આપવામાં આવી નથી પણ પક્ષપલટુઓને આસાનીથી ટિકિટ મળી જાય છે.

કોંગ્રેસ MLA મોહનસિંહ રાઠવા તાજેતરમાં ભાજપમાં જોડાયા બાદ ભાજપે તેમના પૂત્રને ટિકિટ આપી છે. કોંગ્રેસના કદાવર નેતાના રાજીનામાંથી કોંગ્રેસને આંચકો લાગ્યો છે. મોહન રાઠવાએ જણાવ્યું હતું કે કમલમમાં આવવાનો મોકો મળ્યો અને ભાજપમાં જોડાવું મારુ સૌભાગ્ય છે. કોંગ્રેસમાં ઘણા વર્ષો કામ કર્યું પણ સમય સમય બળવાન હોવાનું જણાવી મોહન રાઠવાએ કહ્યું હતું કે, આગામી સમયમાં વિકાસના કામો સાથે મળીને કરશું. ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. તાલાલા વિધાનસભા બેઠક પર છેલ્લે વર્ષ 2017ની ચૂંટણીમાં ચૂંટાયા હતાં. ભાજપે તેમને પણ ટિકિટ આપી છે.