Site icon Revoi.in

સરહદ ઉપર તૈનાત ભારતીય સુરક્ષા જવાનો આવી રીતે કરે છે રક્ષાબંધન પર્વની ઉજવણી

Social Share

નવી દિલ્હીઃ દેશમાં દિવાળી, હોળી સહિતના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સરહદ ઉપર તૈનાત જવાનોને કારણે જ આપણે આ તહેવારોની ઉજવણી કરી શકીએ છીએ, ત્યારે પરિવારથી દૂર આ જવાનો પોતાના સાથીઓ સાથે તહેવારની ઉજવણી કરે છે. રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. બીજી તરફ બહેનો પણ સરહદ ઉપર તૈનાત પોતાના ભાઈને રાખડી મોકલી શકે તે માટે પોસ્ટ વિભાગે કામગીરી શરૂ કરી છે. સરહદ ઉપર તૈનાત ભારતીય જવાનો પોતાની બહેન પાસે રાખડી બંધાવી શકતા નથી પરંતુ પોતાની બેને મોકલેલી રાખડી અન્ય સાથી પાસે બંધાવે છે. એટલું જ નહીં સ્થાનિક વિસ્તારની સ્કૂલની દીકરીઓ પણ આ સુરક્ષા જવાનોને રાખડી બાંધીને ભાઈ-બહેનના પવિત્ર સંબંધ રક્ષાબંધનની ઉજવણી કરે છે.

સરહદ ઉપર તૈનાત જવાનોને ઝડપથી રાખડી મળી જાય તે માટે પોસ્ટ વિભાગની સાથે આર્મીનું પોસ્ટ વિભાગ પણ ઝડપી કામગીરી કરે છે. ભાઈને રાખડી મોકલી આપવા માટે બહેનને કવર ઉપર મોટા અક્ષરે RAKHI FOR SOLDIERS લખવું પડે છે. ત્યાર બાદ રાખડીના કવરને C/O 99 APO અથવા C/O 56 APO ઉપર મોકલવનાનું હોય છે. જેથી ભાઈ જ્યાં ફરજ બજાવતો હોય ત્યાં પહોંચી જાય છે.

આર્મીના અધિકારીએ જણાવ્યું હતું કે, આર્મીના જવાનોને તેમની બહેન દર વર્ષે રાખડી મોકલે છે. દરેક આર્મી યુનિટમાં એક પુજારી હોય છે, તેઓ તમામ ધાર્મિક કાર્યક્રમ કરાવે છે. તે બાદ જવાનેને રાખડી બાંધવામાં આવે છે.

તેમણે વધુમાં કહ્યું કે, સ્થાનિક દીકરીઓ પણ આર્મી કેમ્પમાં આવે છે અને જવાનોના હાથમાં રાખડી બાંધે છે. એટલું જ નહીં પોતાની બહેને મોકલેલી રાખડી સાથે આર્મીના જવાનો સામેથી સ્થાનિક દીકરીઓ પાસે જાય છે અને રાખડી બંધાવે છે. આ ઉપરાંત સાથી જવાનો પણ એક-બીજાને રાખડી બાંધીને તહેવારની ઉજવણી કરે છે. આ ઉપરાંત આર્મીના જવાનો વીડિયો કોલ મારફતે પરિવાર અને બહેન સાથે વાત પણ કરે છે.